આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

નાટ્યશાસ્ત્ર વિશે 'કીથ' આદિ વિદ્વાનોના મતનું ખંડન કરી ભારતની મહત્તાને સ્થાપિત કરી છે. તેમનાં 'વાઙ્‌મયચિંતન'ના લેખોમાં જ્યોતીન્દ્ર દવે મહદંશે સૈદ્ધાંતિક વિવેચન કરે છે. ભારતના નાટ્યશાસ્ત્ર વિશેની પરંપરાગત સમજ ને તેમણે વધારે સ્પષ્ટ કરી છે. નાટ્યશાસ્ત્ર અને એરિસ્ટોટલના 'કાવ્યશાસ્ત્ર'ની તુલના કરતાં વિધાનોને તેમણે 'નાટ્યશાસ્ત્ર'માં પણ 'ઍક્શન'ની આવશ્યકતા જોતાં ભારતના સિદ્ધાંતોને મૂકી આપ્યા છે. ભરત નાટ્યશાસ્ત્ર એ 'પ્રયોગ'ને જ મહત્ત્વ આપે છે. નાટ્યને માટે આવશ્યક ક્રિયાનું મહત્ત્વ ભરતે પણ તેમના નાટ્યશાસ્ત્રમાં વ્યક્ત કર્યું છે તે ઉદ્ધરણો સાથે સિદ્ધ કર્યું છે. જ્યોતીન્દ્ર દવેએ સિદ્ધાંતચર્ચા કરી છે છતાં એનો ભાર લાગતો નથી. સહજ શૈલીમાં તેમણે આ સમીક્ષા કરી છે. માત્ર નાટ્યશાસ્ત્ર જ નહીં નાટકમાં સંગીત, લોકરુચિ આદિ વિશે પણ તેમણે મનનીય સમીક્ષા કરી છે. તેમણે નાટ્યકારોના અભિગમ કેવા હોવા જોઈએ તેની ચર્ચામાં કહ્યું છે કે 'ઉચ્ચ ગુણવત્તા અને લોકપ્રિયતા એ નાટ્યકારીના ગુણ હોવા જોઈએ.' નાટકના સ્વરૂપ અંગેની ચર્ચા કરતાં કરતાં જ તેના સંવાદ, વાચિક, આહાર્યાદિ, અભિનયની સમીક્ષા કરી છે. જૂની રંગભૂમિ પર જે ભાવાનુભાવ અગત્યના છે તેને બાજુ પર મૂકી વિભાવને મુખ્ય બનાવાતો હતો તેને કારણે થતા રસભંગ કે રસાભાસની શાસ્ત્રીય ચર્ચા તેમણે કરી છે. લોકરુચિ કેવી છટકણી બાબત છે તેનીય વિસ્તૃત ઉદાહરણ સાથે ચર્ચા કરી છે. લોકરુચિ વિના રંગભૂમિ ટકી શકે નહીં તેમ તેમનું માનવું છે. નાટકમાં સંગીત વિશેની ચર્ચામાં સંગીતનાટકની શક્યતાઓને નકારે છે. એઓ માને છે કે નાટકમાં 'અભિનય' જ મુખ્ય છે. ગાયન વિના નાટક 'નહીં' એમ માનનારાઓની સામેનો વાસ્તવિક મત તેમણે રજૂ કર્યો છે. જ્યોતીન્દ્ર દવે નાટકને સાહિત્યનું સ્વરૂપ પણ માને છે. નાટકમાં પ્રયોજાતી વાણી અને તેનું મહત્ત્વ સમજાવતાં કહ્યું છે કે નાટકનાં વાઙ્‌મયસ્વરૂપ વિના પ્રયોગ પણ ભાગ્યે જ શક્ય બને. નાટકનું અને સાહિત્યનું ગદ્ય અવશ્ય જુદું છે પણ નાટકને એથી કાવ્યનું સ્વરૂપ કહેવાય નહીં. નાટકને ગદ્યનું જ સ્વરૂપ માને છે.

ધનસુખલાલ મહેતા નાટ્યનું – પ્રયોગનું વિવેચન કરે છે. જ્યારે જ્યોતીન્દ્ર દવે સિદ્ધાંત ચર્ચા છેડે છે. બંનેના ગૃહિતો મહદ્અંશે સમાન લેવલે ચાલે છે. નાટકને કાવ્યથી જુદું – ગદ્યનું સ્વરૂપ નર્મદ પછી આ બે મહાનુભાવોએ માન્યું છે. વ્યવહારુ અને વિવેક પુર:સરની વિવેચના બંનેની છે.

જયંતિ દલાલ તેમની સમીક્ષા દ્વારા નાટક અને રંગભૂમિનું દિશાદર્શન કરે છે. તેમણે ભજવાતાં નાટકોની સમીક્ષા કરી છે. નાટકની ભજવણી જ નહીં તેની આંતરિક સજાવટ વિશે પણ કશી પંગુતા એ ચલાવી લેતા નથી. ઍબ્સર્ડ થિયેટરના પ્રભાવ વિશે બહુ સંયત રીતે એમણે ચર્ચા છેડી છે. એબ્સર્ડને કારણે જે સમય