આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

અને લઈ, અને નૃત્ય એટલે માત્ર નાચવું. એ નાટકાદિકની રીત પ્રથમ ભરત નામના ઋષિએ ઈશ્વરની આજ્ઞા ઉપરથી કાઢી, પણ કેટલાક કહે છે કે એ રીતિઓ વેદમાંથી બ્રહ્માએ જુદી પાડી અને તેણે પછી ભરત નામના મુનિને કહી. તાંડવ અને લાસ્ય એ બે બીજી નાચવાની રીતિ છે. શિવે પોતાના સેવક તાંડુને શીખવી, તે ઉપરથી તાંડવ નામ પડ્યું ને લાસ્ય જાતનું નાચવું પાર્વતીએ ઉષા (ઓખા) રાણીને શીખવ્યું, જે ઓખાએ પછી દ્વારકાની સ્ત્રીઓને શીખવ્યું જ્યાંહાં ઓખાનો ધણી રહેતો હતો.'

નર્મદ માત્ર નાટક જ નહીં નૃત્ત અને નૃત્યના ઉદ્‌ભવની પુરાણકથા કહે છે. જોકે અહીં આ વાક્ય ધ્યાનમાં લેવા જેવું છે. 'બોલવું, ચાળા કરવા અને નાચવું જે વિષયમાં છે તે નાટ્ય અથવા નાટક' – અહીં 'વિષય' એ નિબંધના કે લખાણના તત્કાલીન સંદર્ભમાં છે. દલપતરામે પણ નાટકને નિબંધનો જ એક પ્રકાર કહે છે.

'વાર્તારૂપે કે સંવાદરૂપે નિબંધ લખાયેલો હોય તે કરતાં નાટકરૂપી નિબંધથી તથા તે જ નાટક કરી દેખાડવાથી માણસનાં મન પર વધારે અસર થાય છે.'દલપત-નર્મદ' બંને નાટકને સ્વતંત્ર વિશેષ પ્રકાર માનતા હોય તેવું અહીં જણાતું નથી. પરંતુ નર્મદના બીજા એક લેખમાં નાટક વિશેની તેની પરિપક્વ સમજનો ખ્યાલ આવે છે. 'કવિતા જાતિ'એ લેખમાં નાટકને કાવ્યનો જ એક પ્રકાર માનીને વીરકવિતા, ગીતકવિતા, વનકવિતા, ઉપદેશકવિતા, વર્ણનકવિતા જેવા ભેદ પાડ્યા છે તેમાં નાટકને તેમણે કવિતા જાતિમાં ગણાવ્યું છે. 'નાટક – એ એવી રીતનું લખાણ છે કે જેમાં કવિ પોતાને નામે કોઈ બીજાઓનું વર્ણન નથી કરતો, પણ તે બીજાઓને બોલાવી તેમની વાત તેઓની જ પાસે કહેવડાવે છે. કોઈની વાત આપણે કરીએ તેના કરતાં તે કોઈ પોતાની વાત પોતે કરે એમાં સાચવટ અને એથી વધારે અસર હોય જ. નાટક ગદ્યમાં હોય છે, પણ તેમાં પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવામાં આવે છે.' નર્મદ નાટકને કવિતાના એક પ્રકાર તરીકે ગણાવે છે ને સાથે બહુ જ મહત્ત્વની વાત પણ એ નાટક ગદ્યમાં હોય છે પણ તેમાં પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવામાં આવે છે – કહેતી વખતે કરે છે. નાટક ગદ્યમાં હોય છે તેવી વાત આ યુગમાં નવલરામ કે રણછોડભાઈ દવે પણ કરતા નથી. નર્મદ પાસે આ સમજ તે સમયે હતી તે અદ્‌ભુત કહી શકાય તેવી વાત છે. પછીના સમયમાં પણ નાટકને – કાવ્યનું 'દૃશ્યકાવ્ય'નું જ સ્વરૂપ દૃઢતાથી માનવામાં આવ્યું હતું. તે ગદ્યમાં હોય છે ને પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવાની સમજ નર્મદ પછીના નાટ્યસર્જકો કે વિવેચકોમાં દૂર સુધી ક્યાંય જણાતી નથી. નર્મદ 'કવિતા જાતિ' તેના બે ભેદ પાડીને કહે છે કે નાટક બે રીતનાં હોય છે, દુઃખ પરિણામક નાટક અને સુખ પરિણામક નાટક. પહેલા નાટકમાં મનના જોસ્સા, સદ્‌ગુણ, અન્યાય અને માણસ જાતનાં દુઃખ એઓનાં ચિત્ર પ્રત્યક્ષ માલૂમ પડે છે. ને બીજા નાટકમાં માણસ જાતની મૂર્ખાઈ, તેઓની રીતભાત,