આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુધારક યુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૧૧
 

તબિયત, ખોડ, મોજશોખ વગેરેનું નકલ દાખલ વર્ણન હોય છે. પહેલામાં કરુણારસનું પ્રાધાન્ય હોય છે ને બીજામાં હાસ્યરસનું પ્રાધાન્ય હોય છે'. આમ ટ્રેજડી અને કૉમેડી વિશે વાત કરતા હોય તેમ જણાય છે. નાટક વિશેની તેમની સમજ પશ્ચિમના નાટ્યવિચારથી ઘડાઈ છે. મહદંશે નાટકને તેમણે પણ સંસ્કૃત નાટ્યવિચારને ધ્યાનમાં રાખી કાવ્યના જ પ્રકાર તરીકે સ્વીકાર્યું છે. પણ સુખ-પરિણામક અને દુઃખ-પરિણામક જેવા ભેદ પાડે છે ત્યારે તેમનો નાટક વિશેનો ખ્યાલ ભારતીય પરંપરા સાથે પાશ્ચાત્ય નાટ્યચિંતનનો પણ સ્પર્શ પામ્યો હોવાની ખાતરી કરાવે છે. 'નાટક એક અંકનું પાત્ર' એ લેખમાં નર્મદે નાટક વિશે પોતાની સમજને ભવાઈની સાથે તુલના કરીને વ્યક્ત કરી છે. 'નાટક – એ કવિતા પ્રકરણનો એક ભાગ છે. જોસ્સા, રીતભાત, કૃતિઓ વગેરેનું લોકમાં અસર કરતી રીતે જ્ઞાન આપનારી જે વિદ્યા છે. કવિતાનો બીજો ભાગ એક પ્રકારે દિલમાં અસર કરે છે. પણ આ ભાગ તો બે રીતે. એક તો ઉપલી વાતોનાં રૂપો પ્રત્યક્ષ બતાવે છે. અને બીજું કે, તે રૂપો અથવા વેશોને કવિતા અને ગાયનની ભાષામાં બોલાવે છે. આ બેથી જોનાર-સાંભળનારનાં હૈયામાં હર્ષ અથવા દિલગીરી ભેદાઈ જાય છે. આથી વિદ્યાર્થી માણસ ઘણું સુધરે છે ને ખબરદાર થાય છે. અંગ્રેજીમાં શેક્સપિયર નામનો નાટ્યકાર ઈસવીસન ૧૫૮૪-૧૬૧૬માં ફક્ત ઇંગ્લાંડમાં નહીં, યુરોપ ખંડમાં નહીં પણ અર્વાચીન વખતમાં પૃથ્વીમાં એક મોહરું થઈ ગયો છે. પ્રાચીન કાળે આપણા દેશમાં પણ ઘણા નાટકકાર થઈ ગયા છે. તે મધ્યે કાલિદાસ તો શેક્સપિયરની પેઠે સઘળા દેશના વિદ્વાન મંડળમાં પ્રસિદ્ધ છે. નાટક અથવા રૂપકવિદ્યા બહુ ઉપયોગી છે. એ વિદ્યાની માહિતગારી મેળવવી કઠણ છે. એ કવિતાનો ભાગ છે એટલે એ ભણતર પણ જન્મબુદ્ધિ વિના આવડતું નથી. જેવું જે હોય તેવું તે તેવાં થઈ લોકોને બતાવવું તે નાટક. આપણામાં જે ભવાઈ થાય છે તે નાટકનું ઠીક ભાન કરાવે છે.' નર્મદ નાટકના પ્રભાવની અને તેના સ્વરૂપ અંગેની વાત કરે છે. નર્મદે અંક અને પ્રવેશ વિશેની ચર્ચા કરીને નાટકના બાહ્ય સ્વરૂપનું વર્ણન કર્યું છે. 'નાટકમાં વેશો કાઢી ખેલ બતાવે છે. નાટક પ્રકરણ જ્યારે ઘણું લાંબુ હોય છે અથવા ભવાઈમાંનો એક જ ખેલ બહુ મોટો હોય છે ત્યારે તેના ભાગ કરી, એકેકા ભાગને વિદ્વાનોએ અંક નામ આપ્યું છે. અને અંકના ભાગ કરી એ નાના ભાગોને પ્રવેશ નામ રાખ્યાં છે. 'બાળમિત્ર’નાં પહેલા ભાગમાં નાનો સારંગીવાળો, તરવાર વગેરેનાં પ્રકરણો ઘણાં લાંબાં નથી, માટે તેને એક અંકનાં નાટક કહે છે. એ પુસ્તકના બીજા ભાગમાં પ્રકરણો મોટા છે, માટે તેના ભાગ કરી નાટક બે અંકના એમ લખેલું છે. એ પ્રમાણે, નાટકના દરેક વિષયના વિસ્તાર પ્રમાણે ભાગ અથવા અંક થાય છે. નાટક એક અંકનું, નાટક બે અંકનું, નાટક છ અંકનું વગેરે.' નર્મદ 'બાળમિત્ર'નો દાખલો આપી