આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુધારક યુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૨૧
 

ધ્યાન સામે રાખ્યા છે. એ દૃષ્ટિએ 'રત્નાવલી' નાટકને Artનો નમૂનો કહે છે.

નવલરામ પંડ્યા ૧૮૮૨ ઈ.સ.થી નાટ્યવિવેચન આરંભે છે 'કાન્તા'ના કૃતિનિષ્ઠ નિરીક્ષણથી.એ પછી 'માલતીમાધવ', 'રત્નાવલી' વિશેની ચર્ચામાં નાટક વિશેની તેમની સમજ ઘડાતી જતી અનુભવાય છે. ગોપીચંદ નાટક અને નાટકશાળા એ લેખ ૧૮૮૪માં લખાય છે. આ લેખમાં તેમની નાટક અને નાટકશાળા વિશેની અપેક્ષાઓ અને સમકાલીન સ્થિતિનું અવલોકન છે. 'દુષ્ટ ભાર્યા દુઃખદર્શક નાટક' કે 'કજોડા દુઃખદર્શક નાટક' વિશેનાં અવલોકનોમાં તેમનો નાટક માટેનો ઉચ્ચાદર્શ પ્રગટ થાય છે. નાટક વિશેના સાતેક લેખોમાં તેમની સમીક્ષાનાં વિવિધ પરિમાણોનાં દર્શન થાય છે.

રણછોડભાઈ ઉદયરામ દવે (૧૮૩૭-૧૯૨૩)

રણછોડભાઈ ઉદયરામ દવે નઠારી ભવાઈ અને વ્યવસાયી રંગભૂમિનાં નઠારાં નાટકો સામે શિષ્ટ-સાહિત્યિક નાટકોની આવશ્યક્તા જુવે છે. ભવાઈ પર અભાવ આવી જવાથી તેમણે નાટ્યલેખન આરંભ્યું અને ગુજરાતી નાટકના પિતા કહેવાયા. તેમનો આશય નાટક દ્વારા સદાચારના સંસ્કાર પાડી પ્રજાજીવનને ઉન્નત રાખવાનો હતો. ગુજરાતની રંગભૂમિ વિશે તેઓ ઘણા ચિંતિત હતા. રંગભૂમિનો વિકાસ થાય તેવી તેમની મહત્ત્વાકાંક્ષા હતી. તેમણે કહ્યું છે – ‘ઉત્તમ શ્રેણીના કવિઓએ ગદ્ય પદ્યાત્મક નાટ્યલેખનનો આરંભ કર્યો અને રંગભૂમિ અસ્તિત્વમાં આવી પણ ક્રમશઃ સર્વત્ર અને વિશેષ કરીને ગુર્જર પ્રદેશમાં રંગભૂમિ અને નાટ્યલેખન બન્ને અધઃપતનના માર્ગે વહી સદાચારને બદલે દુરાચાર શીખવનાર બની નાટ્યલેખક તથા નાટકકંપનીના માલિકને દ્રવ્ય પ્રાપ્તિનાં સાધન થઈ પડ્યા છે, એ દુર્દશા ખરેખર અસહ્ય છે.'૩૪ નાટકનું અને રંગભૂમિનું પ્રખર આરાધન તેમણે કર્યું અને નાટકની સૈદ્ધાંતિક-શાસ્ત્રીય પીઠિકા 'નાટ્યપ્રકાશ' જેવા ગ્રંથ દ્વારા બાંધી આપી.

'નાટ્યપ્રકાશ' (૧૮૯૦) : રણછોડભાઈ ઉદયરામ 'પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને સંસ્કાર ઝીલ્યાં વિના આપણો ઉદ્ધાર શક્ય નથી' એમ માનતા હતા. 'નાટ્યપ્રકાશ'ની અડસઠ પાનાંની પ્રસ્તાવનામાં તેમણે નાટકના ઉદ્‌ભવથી માંડી સ્વરૂપ વિકાસની વિસ્તૃત ચર્ચા કરી છે. ઉત્સવપ્રિય મનુષ્યો વસંત આદિ ઋતુમાં આનંદથી નાચી ઊઠે ત્યાંથી નૃત્ત, તેમાં અભિનય સહિત ભાવ ભળ્યો કે તે નૃત્ય થયું ને તાંડવ-લાસ્ય આદિ પ્રકારોમાં વિકસ્યું. તેમાં રસાનુસાર અનુકરણ કરી બતાવવાથી 'નાટ્ય’ કહેવાયું – તેની પરિપૂર્ણ અસર થવાને તેમાં વાણીનો અને તેના શૃંગારનો ઉમેરો થતાં રસશાસ્ત્રની સાથે સંગીતશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર એ બે તેના અંગભૂત થઈ પડ્યાં. આવા સાધને કરીને પૂર્ણતા પામતું જતું જે શાસ્ત્ર થયું તે 'નાટ્યશાસ્ત્ર' કહેવાયું.'૩૫ એ પછી પશ્ચિમના વિદ્વાનોને આધારે ભારતીય