આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું વિવેચન

પંડિતયુગમાં નાટ્યમંડળીઓની સંખ્યા વધતી ચાલી છે. પ્રેક્ષકની નાડ પારખીને લોકને ગમે તેવા નાટકો લખવા – ભજવવા તત્પર અનેક નાટકશાળાઓ મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ સ્થળોએ ફેલાઈ ગઈ છે. તખ્તાની અનેક નવી પ્રયુક્તિઓ, પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી કરામતો, સરકસના દાવ આદિ અનેક રીતે પ્રેક્ષકને ખુશ રાખવાની બાબતમાં સ્પર્ધા ચાલી રહી છે. પ્રેક્ષકને ગમે તે જ નાટક, પ્રેક્ષકને ગમે તે જ ગીત.... પ્રેક્ષક જ નાટક મંડળીનો આરાધ્ય. આ બધી મનોરંજનની ધમાલ કંઈ નવી નહોતી. રણછોડભાઈ આદિ સર્જકો ઘણા પ્રયત્નો કરીને નાટકની શોધમાં હતા કે જે ભજવાતું હોય અને લોકોને સુબોધ સાથે આનંદ પણ કરાવતું હોય પરંતુ લેખક અને રંગભૂમિ વચ્ચેનું અંતર વધતું જતું હતું. સાક્ષરો ઉત્તમ નાટકો લખે છે પણ તેની રંગભૂમિ ક્ષમતા વિશે પ્રશ્નો છે. નાટકનો આરંભ જ કદાચ એવો થયો છે કે તેના સંપૂર્ણ કલાસ્વરૂપને આપણે પામી શકતા નથી.

પંડિતયુગમાં નાટ્યતત્ત્વ વિચાર થાય છે. મોટા ભાગનું વિવેચન પ્રત્યક્ષગ્રંથાવલોકન અને સિદ્ધાંત ચર્ચા કરે છે. પંડિતયુગમાં બધાં જ સ્વરૂપોના આકાર રૂઢ – નિશ્ચિત થવા માંડે છે. પણ નાટક કે નાટક વિશેનું વિવેચન હજી દિશા શોધે છે. રંગભૂમિ છે પણ તેની પાસે સર્વગુણ – કલાતત્ત્વ સંપન્ન નાટક ક્યાં છે? ને સાહિત્યિક – શિષ્ટ કલાતત્ત્વયુક્ત નાટક છે તો તેને રંગભૂમિ પર ઉતારવું શક્ય નથી. સર્જક જ્યારે રંગભૂમિથી – મંચથી અલિપ્ત રહીને નાટક લખે છે ત્યારે તેની મંચનક્ષમતાનો ખ્યાલ તેને નથી જ આવતો. સર્જકનું રંગભૂમિ સાથેનું જોડાણ જ પ્રેક્ષકો સુધી ઉત્તમ-શુદ્ધ કલાતત્ત્વયુક્ત પ્રસ્તુતિ આપી શકે. એ વાત નહીં સમજતા સર્જકોને કારણે અને રંગભૂમિ પર કામ કરતાં નટચમૂ તથા અન્ય રંગકર્મીઓની ઉત્તમ નાટ્યતત્ત્વ પ્રત્યેની અવગણનાને કારણે... નાટકનો વિકાસ રૂંધાયો. નાટ્યવિવેચનનું પણ તેમ જ થયું. પંડિતયુગમાં નાટ્યવિવેચના ઓછી જ થઈ છે. ગોવર્ધનરામ ત્રિપાઠી, નરસિંહરાવ દિવેટિયા જેવા વિવેચકો નાટક વિશે જે ચર્ચા