આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૩૯
 


'નાટ્યકલા : એક અર્વાચીન દૃષ્ટિ' એ લેખમાં તેમણે 'નાટ્યકલા'ની સર્વોત્તમ સિદ્ધિ માટે પ્રોડ્યુસર, ડાયરેક્ટરનું કાર્યક્ષેત્ર શું હોવું જોઈએ તેની માર્ગદર્શક ચર્ચા કરી છે. તેમણે પ્રોડ્યુસર માટે 'પ્રયોજક' અને ડાયરેક્ટર માટે 'દર્શક' એવા આગવા શબ્દો પ્રયોજ્યા છે. તેમાં 'દર્શક' અને પ્રયોજકનાં જુદાં કાર્યક્ષેત્રનો પણ ખ્યાલ સ્પષ્ટ થાય છે. આ લેખમાં એક રીતે પ્રયોજક અને દર્શકે સિનેમાની સામે નાટ્યકલાને ટકાવવા માટે શું કરવું - શું ન કરવું તેનું દિશાદર્શન કર્યું છે. તેમનું માનવું એ છે કે સિનેમા કરતાં નાટક જ વધારે શ્રેષ્ઠ – ઉત્તમ કલા છે. 'નાટક કંઈક વિશેષ સમય લઈ, જે રીતે વસ્તુનો વિકાસ ને પાત્રાલેખન સહિત વિવિધ વાર્તાલાપથી સાહિત્યનું તત્ત્વ કે રસ નિષ્પન્ન કરે છે તેમાં દૃશ્ય શૃંગાર, સંગીત, નૃત્ય ને શિલ્પ ઉપકારક થાય છે, પરંતુ પ્રાધાન્ય કદાપિ પામી શકતા નથી. પડદા ઉપરના પડછાયા બહુ જ આકર્ષક હોવા છતાં, છેવટે કંઈક અસંતોષ રહી જાય છે. અને જ્યારે કોઈ રીતસરની શિષ્ટ નાટ્યકૃતિ જોવામાં આવે ત્યારે અકથ્ય આનંદ થાય છે. એટલે 'ચલચિત્ર', રેડિયોનું, 'ટેલિવિઝન' વગેરે અનહદ પ્રગતિ સાધશે ને નાટ્યકલામાં ક્વચિત અત્યંત ઓટ પણ આવી જશે, છતાં યુગ યુગનું જીવંત માનવ પ્રત્યેનું માનવયુગનું અસાધારણ આકર્ષણ તો સનાતન છે ને નાટ્યકલાનું ભાવિ ઉજ્વળ છે.'૨૫ નાટ્યકલા ચિરંજીવ છે તેવો આશાવાદ તેમના આ લેખમાં વ્યક્ત થયો છે. સાથે કોઈ એવો પ્રયોજક મળશે કે જે 'ચંદ્રવદન મહેતા' ઇચ્છે છે તેવું 'નટ-ઘર' સર્જી શકશે. આ લેખમાં તેમણે અંગ્રેજી શબ્દો પ્રોડ્યુસર, ડાયરેક્ટર માટે ગુજરાતી શબ્દો મહાપ્રયોજક, પ્રયોજક, દર્શક જેવા પ્રયોજ્યા છે. બીજો લેખ એ શ્રી ફિરોજશાહ મહેતાના પુસ્તક ‘ઍક્ટિંગનાં હુન્નરનું વહેવારુ શિક્ષણ'નો 'પૂર્વરંગ’ છે. 'નાટક વિશે' એ પુસ્તકમાં આ 'પૂર્વરંગ' ક્યાં ને ક્યારે પ્રગટ થયો તેની નોંધ નથી. ફિરોજશાહ મહેતા વિશે પણ મહદ્અંશે એવું જ વલણ જોવા મળ્યું છે. રમણલાલ યાજ્ઞિકે ૧૯૩૩માં પ્રગટ થયેલા ફિરોજશાહ મહેતાના ‘ઍક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ'ની પ્રસ્તાવના રૂપ આ લેખ કર્યો હતો. આ લેખમાં તેમણે ફિરોજશાહ મહેતાના ને ગુજરાતી નાટ્યમાં પણ પ્રથમ વાર પ્રગટ થતા અભિનયની તાલીમ અંગેના પુસ્તકનો અભ્યાસપૂર્ણ 'પૂર્વરંગ' લખ્યો છે. પાંચ ખંડોમાં વિભાજિત આ પૂર્વરંગમાં પહેલો ખંડ પુસ્તકના લેખકનો પરિચય કરાવે છે. ગુજરાતી સાહિત્ય અને વિચારનાં ક્ષેત્રમાં લેખકનું મહત્ત્વનું પ્રદાન તેમણે નોંધ્યું છે. ‘ઍક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ' એ પુસ્તક વિશે પણ ટૂંકમાં નિરીક્ષણ આપી બીજા ખંડમાં પુસ્તકના બહુ મહત્ત્વનાં પાસાંઓને ખોલી આપે છે. બીજા ખંડમાં તેમણે પુરવણીમાં ચર્ચાયેલા વિષય બાબતે ચર્ચા કરી મતૈક્ય સ્થાપ્યું છે. 'અભિનય' એ અનુકરણ નથી પણ સર્જન છે તેવા લેખકના પ્રતિપાદનને તેમણે પણ યોગ્ય માન્યું છે. ત્રણે પુરવણીમાં