આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

રંગભૂમિનો ઇતિહાસ’ લખાય છે નાટ્યશિક્ષણના વિદ્યાર્થીઓના અધ્યનના એક ભાગ રૂપે, મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયમાં નાટકના અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકની આવશ્યકતા પૂરી કરવા માટે જ. અલબત્ત, જૂની રંગભૂમિ વિશે તથ્યો મેળવવા એ મહેનતનું કામ હતું. ધનસુખલાલ મહેતાએ પૂરી સભાનતા સાથે અને તથ્યોને અન્વેષક દૃષ્ટિએ તપાસી પછી વિગતો મૂકી છે. આથી રંગભૂમિના ઇતિહાસનું આ પહેલું મહત્ત્વનું પુસ્તક છે.

આ પુસ્તકમાં ૧૯૫૪ના અંતભાગ સુધીની રંગભૂમિની વિગતોનું આલેખન છે. રંગભૂમિનો આરંભ ભારતમાં તેમ જ અન્ય મિસર, ગ્રીસ, ચીન, રોમ આદિ દેશોમાં કઈ રીતે થયો તેની અભ્યાસપૂર્ણ વિગતો આપી છે. આરંભની રંગભૂમિ અવેતન જ હશે એમ તેમનો મત છે તે યથાર્થ છે. પછીથી અર્થોપાર્જનના હેતુસર લોકરંજન આરંભાયું હશે. તેમાંથી વ્યવસાયી રંગભૂમિ જન્મી. લગભગ બધે જ નાટ્યપ્રયોગોનો સંબંધ ધર્મ સાથે રહ્યો છે. એ બધા જ પ્રયોગો અવેતન હતા. જુદા જુદા દેશમાં આમ ધર્મ સાથે જોડાયેલા નાટ્યપ્રયોગોને રાજ્યાશ્રય મળતો થયો હશે, તેમના કામ અંગે કશો બદલોય આપવામાં આવતો હતો છતાં એ સહુ ધંધાદારી નટો નહોતા. આરંભની રંગભૂમિ એ રીતે અવૈતનિક રંગભૂમિ હતી તેવું પ્રતિપાદન સહજ જ થાય છે. એ પછી નાટકના ઉદ્‌ભવ વિશે ચર્ચા કરી છે. નાટક અનુકરણ વૃત્તિથી આવ્યું છે પરંતુ ગ્રીસમાં નાટ્યકલાનો વિકાસ ધાર્મિક ઉત્સવમાંથી થયો હતો. નૃત્ત, નૃત્ય અને નાટકનો જન્મ થયો તેમ વિગતો આપી છે. એ પછીના પ્રકરણમાં બંગાળ, ઉત્તર હિંદુસ્તાન, મરાઠી રંગભૂમિ, દક્ષિણ હિન્દુસ્તાનની રંગભૂમિ વિશે તેનો ઇતિહાસ અને તત્કાલીન સ્થિતિ વિશેનું નિરીક્ષણ આપ્યું છે. દરેક પ્રદેશની રંગભૂમિ ત્યાંના લોકનાટ્યમાંથી જ ઘડાઈ છે. ગુજરાતમાં રંગભૂમિ ૧૮૪૦-૫૦થી આરંભાઈ ને દસેક વર્ષમાં જ વીસેક નાટકમંડળીઓ ઊભી થઈ હતી. ૧૮૫૦-૫૫માં પારસી અવેતન રંગભૂમિ આરંભાઈ ચૂકી હતી. ટૂંકમાં ચંદ્રવદનની નક્કર હકીકત પ્રમાણે ૧૮૪૦ થી ૧૮૫૦, ૧૮૫૭થી ૧૮૬૦ અને ૧૮૬૦થી ૧૮૭૫ સુધીમાં એ પાંત્રીસ વર્ષમાં સો ઉપરાંત નટો, દસેક ઉપરાંત નટીઓ, પચાસેક ઉપરાંત ગુજરાતી નાટકો, પચીસેક ઉપરાંત ગુજરાતી નાટકલેખકો હતા, નાટ્યપ્રવૃત્તિઓને વિકસાવી રહ્યાં હતાં.'૧૩ ૧૮૬૦થી ૧૯૦૦ સુધીમાં તો રંગભૂમિ પર ઘણાં પરિવર્તનો આવ્યાં. કિટસન કારબાઈડ કે કપાસિયાની ફૂટલાઇટથી વીજળી આવે છે. રંગભૂમિનો સુવર્ણકાળ કહી શકાય તેવાં એ વર્ષો રહ્યાં છે. '૧૮૬૦થી ૧૯૦૦ સુધીની બે વીશીમાં રંગભૂમિએ સુવર્ણકાળ જોયો. બંગાળે બાહ્યધરી, મહારાષ્ટ્ર જમાવ્યું, પણ ગુજરાતે આખા ભારતમાં અને ભારત બહાર રંગભૂમિનો નેજો ચારેકોર ફરકાવ્યો. જાતભાતના ભેદભાવ વિના ગુજરાતી ઉપરાંત હિન્દુસ્તાની કે