આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા

પ્રકારલક્ષી સમીક્ષાનો મુખ્ય હેતુ પ્રકારોની ભિન્નતા અને વિશિષ્ટતાને તારવી તેના વ્યાવર્તક લક્ષણો, વિકાસ આદિની સમીક્ષા કરવી. નવલકથા, વાર્તા, એકાંકી, સૉનેટ આદિ પ્રકારોની આગવી ઓળખ છે. દરેક પ્રકારને વિશિષ્ટતા અને મર્યાદા પણ છે. આ મર્યાદા અને વિશેષતા જ એને અન્ય કરતાં ભિન્ન બનાવે છે. પ્રકારલક્ષી વિવેચના આ ભિન્નતાનું અવલોકન કરે છે અને સમયાંતરે તેનું પુનઃમૂલ્યાંકન પણ કરે છે. નવલકથા અને નાટક કે એકાંકી અને વાર્તામાં એવા તબક્કા આવે છે જ્યારે નાટકમાં નવલકથાના લક્ષણો ને નવલકથામાં નાટકની લાક્ષણિકતા જોવા મળે; વાર્તા-એકાંકીમાં વારંવાર પેલી ભેદરેખા ભૂંસાઈ જવાનો ભય રહેતો હોય છે. પ્રકારલક્ષી સમીક્ષા આ દરેક પ્રકારનાં વ્યાવર્તક લક્ષણો નક્કી કરી તેના ભિન્નત્વને તથા વિશેષતા મર્યાદાઓને ચિહ્નિત કરે છે.

પ્રકારલક્ષી વિવેચનાનું કાર્યક્ષેત્ર એ રીતે જોઈએ તો સાહિત્યસ્વરૂપના પ્રાગટ્યથી માંડીને તેના એક સમય સુધીના વિકાસનું આકલન કરી તેમાં તે પ્રકારનો કેવો, કેટલો વિકાસ થયો, તેણે ઉપાદાનનો ઉપયોગ કેવો કર્યો, કેવી નવી શક્યતાઓ જન્માવી આદિ અનેક તત્ત્વો પર અન્વેષક દૃષ્ટિ રાખવાનું છે. કૃતિ – સર્જનની પાછળ સમીક્ષા સિદ્ધાંતો હોય છે કે ઘડાતાં હોય છે. પરંતુ એક સ્વરૂપ માટે ઘડાયેલા સિદ્ધાંતો બધાને લાગુ પાડી શકાતા નથી. સંસ્કૃત સાહિત્યમાં 'કાવ્ય' એ સમગ્ર સાહિત્યના સંદર્ભમાં પ્રયોજાતી સંજ્ઞા છે. “કાવ્યેષુ નાટકમ્ રમ્યમ્' એમ કહેવાયું ત્યારે સકલ-સમગ્ર સાહિત્યમાં 'નાટક' નામનો જે પ્રકાર છે તે 'રમ્ય' છે એમ કહેવું છે. પરંતુ સમસ્યા તે પછીથી આરંભાઈ. નાટકને કાવ્યનો જ એક પ્રકાર માનીને તેની સમીક્ષા થવા માંડી. ભરત નાટ્યશાસ્ત્રમાં 'રસ એ નાટકનો પ્રાણ છે' કહેતી વખતે નાટકના સંદર્ભે જ 'રસ'ની ચર્ચા છેડવામાં આવી છે. એરિસ્ટોટલનું 'કાવ્યશાસ્ત્ર' એ ખરેખર તો 'નાટ્યશાસ્ત્ર'નો ગ્રંથ છે, પરંતુ નાટકને આરંભથી જ 'કાવ્ય', પદ્ય માનવામાં આવ્યું. આથી નાટકની સમીક્ષા પણ કાવ્યસંબંધી