આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૮૫
 

કર્યા પછી સ્પષ્ટ કરે છે. 'નાટ્યકલાનો સંતર્પક આનંદ તો શબ્દ નાટકથી જ અનુભવાય' નાટકમાં શબ્દથી આરંભાયેલી આ ચર્ચા નાટકનાં અન્ય ઘટક તત્ત્વો વિશે નાટકના સાહિત્ય, સ્વરૂપ વિશે નાટકની મર્યાદાઓ વિશે વિગતે ચર્ચા કરે છે. નાટકની અન્ય સ્વરૂપો સાથે તુલના કરી છે. નાટ્યલેખકે કેવાં પાત્રો, પરિસ્થિતિ ઘડવી જોઈએ તેના વિશે ચર્ચા કરી અંતે અફસોસ અને આશા વ્યક્ત કર્યા છે. 'નાટકના જેવું દારિદ્ર્‌ય ગુજરાતી સાહિત્યમાં બીજું એકેય સ્વરૂપનું નથી.' સુધરશે ને સમૃદ્ધ થશે તેવી આશા વ્યક્ત કરી જ છે. 'નાટક અને દિગ્દર્શક’ એ પ્રકરણમાં દિગ્દર્શકોની શૈલી વિશે પરિચય આપ્યો છે. નાટક ઉપર પહેલાં લેખકોનો પ્રભાવ હતો ને પછી સર હેનરી ઈરવિંગ ઓગણીસમી સદીમાં આવે છે. નાટ્યકથા અને રંગતંત્ર વચ્ચેનો સંબંધ સમજાવનાર એ પહેલો દિગ્દર્શક, ત્યાંથી આરંભીને ધીરુભાઈ દિગ્દર્શકના કાર્યને વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરે છે. આરંભના દિગ્દર્શકોનો તબક્કાવાર ઇતિહાસ ટૂંકમાં તેમણે આપ્યો છે. સંસ્કૃત અને ગુજરાતી નાટકમાં દિગ્દર્શકની ભૂમિકા ક્યારે કેવી રીતે શરૂ થઈ તેની પણ સરસ ચર્ચા અહીં કરી છે. દિગ્દર્શનના ક્ષેત્રમાં જે વૈચારિક પરિવર્તનો આવ્યાં તેની સાથે નાટક અને રંગભૂમિને થતા લાભની – નુકસાનની ચર્ચા અહીં કરી છે. સ્તાનિસ્લાવસ્કી, એન્તની આર્તૃ, બર્તોલ્ટ બેખ્ત જેવા ભિન્ન વિચારસરણી ધરાવતા દિગ્દર્શકોના વિચારને સ્પષ્ટ કરીને દિગ્દર્શકનું કાર્ય અને ચરિત્ર કેવું હોવું જોઈએ તે નક્કી કરવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. નાટકના પ્રયોજનને સુપેરે જે ઉજાગર કરી આપે તે ખરો દિગ્દર્શક. સાચું અર્થઘટન કરવું અને કરાવવું તે દિગ્દર્શકનું કામ છે. આજની પ્રયોગશીલ રંગભૂમિ પર દિગ્દર્શક પોતાના ફળદ્રુપ ભેજાથી અનેક પ્રકારના પ્રયોગો કરે છે. તેમાં પ્રેક્ષાગાર અને રંગમંચ એકાકાર થઈ જાય, પ્રેક્ષકોને ભાગ લેતા કરે તેવી બાની તત્કાળ પ્રયોજાય. ચારે બાજુ પ્રેક્ષકો હોય અને વચ્ચે રંગમંચ હોય, દૃશ્ય રચના વગર સપાટ રંગમંચ પર કેવળ પ્રકાશની મદદથી અસરકારક ભજવણી થાય.' આદિ પ્રયોગો વિશે વાત કરે છે. દિગ્દર્શકની સૂઝ, સમજ અને પ્રયોગ કે નવું કરવાની તૈયારી મુજબ નાટકને પણ ઘણી મુક્તિ મળે છે. દિગ્દર્શકના કાર્યક્ષેત્રની વિગતે વાત કરી છે. 'નાટક અને નટ'ના આરંભમાં જ ભરતે આપેલી અભિનયની વ્યાખ્યા આપી છે. નાટ્ય શાસ્ત્ર પ્રમાણે અભિનયના જે ચાર પ્રકાર છે તેની ચર્ચા કરી તેનું આધ્યાત્મિક અર્થઘટન પણ કર્યું છે. 'નટે પ્રથમ વિવેક કેળવવાનો છે કળાકારની સ્થિતિ તાટાસ્થ્યપૂર્ણ તન્મયતાની હોય છે' એમ કહીને અભિનયના પ્રકારો વિશે ચર્ચા કરે છે. પ્રતિનિધાનમૂલક અભિનય, વાચિક અભિનય – જેમાં નાટકને શ્રાવ્યકાવ્ય ગણીને જ તેની માવજત થાય છે અને 'મૂક અભિનય' જેમાં વાણી નહીં માત્ર આંગિકનો આધાર લેવામાં આવે છે.'