આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૧૬ ]



લઈ હાથમાં નાડ મારી હકીમે
ઉચાર્યું 'પતલ્યા' અવાજેથી ધીમે;
'નહીં રોગ તુજ માહરાથી જુદો છે,'
ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે.



'શયદા'

૮૨ : દિલબરની પાની હો


દયાની દ્રષ્ટિ મારા પર નિરંતર શારદાની હો !
ઊછળતા પૂર જેવી મુજ કવિતામાં રવાની હો !

પ્રથમ તરછોડીને એણે પછીથી વાત માની હો !
અને એ યાદ કરવાને જ મારી ઝિન્દગાની હો !

જિગરનું ખૂન હો મારું અનોખી કોઈ પાની હો !
નવી લાલી ઊઠે ચમકી નવી રંગત હિનાની હો !

અરે તે પાની પર કુરબાન મારી ઝિન્દગાની હો !
ભરેલી બુદ્ધિથી ભરપૂર જે દિલબરની પાની હો !

જુઓ ! હું આપું છું આજે અમૂલાં મોતી અશ્રુનાં, !
તપાસી લ્યો, પરખ કાંઈ અગર મોટા ખરાની હો !

જરા રડવું, જરા હસવું, જરા ગુસ્સો, જરા નરમી,
મઝા ક્યારેક 'હા'ની હો, મઝા કયારેક 'ના' ની હો !

ફક્ત એમાં જ હું મારી હંમેશાં ઈદ સમજું છું,
ખુદાનું નામ હો મુખ પર અને મુઠ્ઠી ચણાની હો.

અમારી ગુર્જરી ભાષા અધૂરી પણ મધુરી છે!
અમો મન લાખની છે જે તમો મન એક આની હો !