આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૬૨]

કરાવવાને આગળ આવે છે અને આવવાં જ જોઈએ. ખરું છે કે શ્રદ્ધા એ બુદ્ધિનો વિષય નથી, છતાં, ધર્મને નામે ફરજિયાત અથવા અર્થહીન અનુકરણ તો કેવળ અનિષ્ટ છે. એથી સત્યનાં દ્વાર ખુલ્લાં નહિ, પણ બંધ થાય છે–પ્રકાશનો માર્ગ સંકોચ પામે છે, અને જાણેઅજાણે પણ પ્રેમ એટલે પ્રભુને આપણાથી અન્યાય થાય છે. વસ્તુસ્વરૂપનું રહસ્યજ્ઞાન પામ્યા વિના - ઈશ્કને નામે પ્રવાસી હૃદયો વિમાર્ગે વહી જવાની ધાસ્તી રહે છે અને તેથી આટલું બેલાશક બોલવાની ફરજ લાગે છે. મિજાઝી ઈશ્ક ગમે તેને ચાહે એમાં પ્રતિબંધ કશો નથી દેવી મીરાંની પેઠે તે જડમૂર્તિને લક્ષ્ય માને યા ચાહે તો મજનૂં જોગીની મિસાલે તે ચેતનમૂર્તિને લક્ષ્ય માનીને ચાહે; પણ જેને તે ચાહે છે, તેને દુનિયાની નજરથી નહિ પણ લૌકિક દ્રષ્ટિથી પર–પ્રભુતાની દ્રષ્ટિથી પૂજે છે કે કેમ એ જ તેની આત્મોન્નતિના ક્રમ માટે મૂળ પ્રશ્ન છે. ફારસી અને ઉર્દૂ સાહિત્યના ગતાનુગતિક અનુકરણ (એવા અર્થહીન અનુકરણને સૂફીવાદમાં 'તકલીદ' કહે છે)થી સંખ્યાબંધ ગઝલ ગૂજરાતીમાં દેખાવ આપવા લાગી છે, એ ચાલુ જમાનાની ખાસિયત હો કે ખૂબી હો, પણ તેનું પરિણામ આત્મવંચના અથવા વલ્લભી સંપ્રદાયની પેઠે વિકૃત કૃત્રિમતા નીવડે નહિ, એવી આપણે આશા રાખીશું અને તે સફળ કરવાને પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રાર્થના કરીશું ૐ||

હકીકી અને મિજાઝી ઈશ્ક એ બે જુદા માર્ગો નથી, પણ એક જ પ્રવાહનાં ક્રમિક ગત્યન્તર છે એ આપણે જોયું છે; અને સૂફીવાદની શૈલીએ લખાતી આપણી ભાષાની ગઝલોને કયાં સ્થાન છે, તે પણ આ નિરૂપણ પરથી જોઈ શકાશે.

દયારામભાઈ પછી એમના હૃદયને કંઈ અંશે સમરૂપ હૃદય આપણે કવિ નર્મદમાં જોઈએ છીએ. કવિ નર્મદે પ્રેમની મસ્ત અને જુસ્સાભરી બાનીમાં 'ઈશ્ક' ગાયો, બજાવ્યો અને