આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૪ ]


ભલે છો માહરા પંથે બધા એ દુઃખને દેખે;
મને તો સુખસાગર લહેરીનો કંઈ બહાર જુદો છે.

થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે.

નજર મારી પ્રિયા વિના, ન દેખે જગત આખે;
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે.

ગુરુઆદેશ છે અમને, અવળ પંથે પળ્યા જઈએ;
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે.


૭ : કટાક્ષ


મધુર મધુરી આંખડીની કટાક્ષ તે ક્યમ વીસરે ?
તે પૂર દગલબાજી ભરી, ભર વ્યંજના ક્યમ વીસરે ?

રમવા કરી'તી આશ તુજ, મૃદુ ગૌર બાહુબંધમાં,
દરિયાઈ મોજે રડવડ્યો હું, દુઃખ તે ક્યમ વીસરે ?

અંતર પડેલા દાહ પર, દુશ્મન લગાડે લૂણને,
તવ પ્રેમનાં બાધક કરે, દુખ હાય ! તે ક્યમ વીસરે ?

સર્વાંગ કોમળ કુસુમ લજવે, એહવાં તારાં લસે,
પણ અંતરે પથ્થર સમી, પ્રિય પીડ તે ક્યમ વીસરે?

મુજ દુઃખને વિશ્રામ વહાલી, મેં ધર્યો મુખપંકજે,
મૂક થઈ ગયો ભોગી ભ્રમર હું, બંધ તે ક્યમ વીસરે?

તુજ કાજ બંધન બેડીના, કરું બંધ એક્કેકે જુદા,
પણ એક તૂટતાં સાત સંધાયે, કહો કેમ વિસરે ?

શાને ધરું ના માન જ્યારે, માની તું થઈ નીવડે,
પણ નજર ગુસ્સાબાજના, રસભાવ તે ક્યમ વીસરે?