આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૪ ]


થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની.

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર:
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની.

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ?
આશકોના રાહની જે રાહદારી આપની.

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની.

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો અને જો એક યાદી આપની.

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની.


૩૦ : અમારી પિછાન


અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ;
તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ.

જહાં જેને કરી મુર્દું કબરમાં મોકલી દેતી,
અમે એ કાનમાં જાદૂ અમારૂં ફૂંકનારાઓ.

જહાંથી જે થયું બાતલ અહીં તે છે થયું શામિલ;
અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ.