આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૪ ]


૪૭ : ચન્દાને સંબોધન


તને હું જોઉં છું, ચન્દા ! કહે! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક−કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિમ્બ જોવાને
વખત હું ખોઉં તેવો શું–કહે, તે એ ખૂએ છે કે ?

સખી ! હું તો તને જોતાં–અમે જોયેલ સાથે તે–
સ્મરન્તાં ના શકું સૂઈ ! કહે, સાથી સૂએ છે કે ?

સલુણી સુન્દરી ચન્દા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં–
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધૂએ છે કે ?


૪૮ : મારી કિસ્તી


નવ સૂઝે ઉપાય કૈં ડોલાય મારી કિસ્તી !
આવા તોફાનમાં જરૂર ડૂબશે મારી કિસ્તી !

ભવસમુદ્ર છે સમાનઃ
બચે જો હોય લખ્યું લખત !

સહસા તોયે આ વખત ઝુકાવી છે મેં કિસ્તી.

અન્ય દશા જોઈ ડરતઃ
ધીમે ધીમે ગતિ કરતઃ

પણ અરે ! આ તો તરત ઝુકાવી છે મેં કિસ્તી,

દેખી નહીં શકું ચન્દર;
કેમ દેખું ત્યારે બન્દર ?

મોજાં તોફાનીની અંદર ઝુકાવી છે મેં કિસ્તી !