આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૫ ]


નારાયણ વિસનજી ઠકકુર

૬૭: તરુણા તરલાનું પ્રેમગાન


આ પ્રેમ એવી વસ્તુ છે જે સ્વાર્થને નથી માનતી,
લજ્જા તથા જનમાનને પણ તે કદી ન પિછાનતી.

જો જો પતંગ બળી મરે દીપક મરે નિઃસ્વાર્થ તે;
ને પ્રાણ અર્પે છે ચકોરો ચન્દ્ર પર નહિ સ્વાર્થ તે.

હે પ્રાણવલ્લભ ! પ્રેમદા આ પ્રેમની છે ભોગિની;
તે ઈચ્છતી ના વૈભવને પ્રેમની છે યોગિની.

મમ નેત્ર આ આતુર રહે છે તવ વદનના દર્શને;
ને ઈચ્છતું આ હૃદય નિશદિન તવ તનુના સ્પર્શને.

સૌભાગ્યહેતો ! જીવના આધાર ! સત્વર આવને;
તું સ્નેહજલ સિંચન કરી આ વિરહવહ્નિ શમાવને.


સાગર

૬૮ : સનમને સવાલ


શબ્દ? સનમ ! આપશે? પૂછું? સનમ ! જિવાડશે?
દિલથી દિલ દબાવશે ? તું ગોદમાં સુવાડશે ?
અગર-છું હું તુજ શિકાર:
કત્લનો ય તલબગારઃ
યારની અમર કટારઃ
ઘા પૂરો લગાવશે ?