આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
90
ગુજરાતનો જય
 


શરમાતો વસ્તુપાલ “ના રે ના, કશું નહીં,” એમ કહીને પાછો બેઠકમાં ચાલ્યો ગયો ને ત્યાં બેઠાં એણે અનોપ-વયજૂકાની હસાહસ સાંભળી.

વળી પાછો વસ્તુપાલ ઘરમાં આંટા દેવા ને પૂછવા લાગ્યો: “હેં વયજૂ ! આ પેટી કોની? આ બચકીમાં શું છે? આ તેલનો કૂપો કોણ લાવ્યું છે?” વગેરે.

દરેકના જવાબ વયજૂકાએ રોકડા પરખાવી દીધા. તે પછી હૃદયમાં સહેજ ચિડાયેલો વસ્તુપાલ પોતાની ચીડ રખે ક્યાંક બહાર પડી જાય એવી કાળજી રાખીને વર્તન કરવા લાગ્યો. સાંજ પડતી ગઈ તેમ તેમ એનું અંતર નિરાશામાં ઢળતું ગયું. પણ પોતે કોઈને પોતાના અંતરની વાત પૂછી શકે તેમ નહોતું, કેમ કે ઘરમાં પોતે વડીલસ્થાને મૂઓ હતો !

વાત એમ હતી કે પરણીને પાછા પાટણ ભણવા ચાલ્યા ગયા પછી ઘણાં વર્ષે વસ્તુપાલ ઘેર આવ્યો હતો. એણે આશા રાખેલી કે એની સ્ત્રી લલિતા એના આવતા પહેલાં જ પિયરથી આણું વળીને આંહીં પહોંચી ગઈ હશે ! એ આશા આથમી ગઈ. પણ પૂછવું કોને? કોઈ કહેતુંયે કાં નથી? કોઈએ લલિતાને તેડાવી પણ કેમ ન લીધી ! કવિશ્રીએ મનમાં મનમાં ધૂંધવાતાં-ધૂધવાતાં માંડ સાંજ પાડી.