આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
16
વણિક મંત્રીઓ

“સોમેશ્વરદેવ ! તમે મને અંધારામાં રાખ્યો,” વીરધવલ રાજગઢમાં ઠપકો દેતા હતા, "તમને કશી ખબર નહોતી?”

"થોડી થોડી ખબર હતી.”

“તોપણ ચૂપ રહ્યા ?”

"મારો ધર્મ હું બજાવ્યે જતો હતો. હું સમયની રાહ જોતો હતો, રાજન ! યોગ્ય સમય આવ્યા પહેલાં કાંઈ કરવું એ ઉચિત લાગ્યું નહોતું.”

"પણ તમે મને સૂચન પણ ન કર્યું?”

"પરિસ્થિતિને પક્વ થવા દેવામાં જ મને ડહાપણ દેખાયું એથી હું ચૂપ રહ્યો હતો. એથીયે વધારે: હું રાહ જોતો હતો કોઈ વણિકબુદ્ધિની. રાજ્યને વણિકબુદ્ધિની વિશેષ જરૂર છે.”

"તેજપાલ ને વસ્તુપાલનો તમને કેવોક પરિચય છે?”

“મારા પિતા પાસે બેઉ ભણતા હતા, પણ એ નાનપણનો પરિચય વધુ ન કહેવાય. રાણાજી પોતે જ જોઈ વિચારીને નક્કી કરે.”

"પણ હું અભણ છું તેની જ મોકાણ છેને?"

"માટે જ રાણાને ભણેલાઓની – બોંતેર કળાના જાણકારોની જરૂર છે. માત્ર ભણેલો હશે તે તો ભયંકર બનશે, રાણા ! ભણતર એકલું હશે તો પ્રપંચે જ ચડી જશે. જીવનની કળાના જાણકારો જોઈશે.”

"કળાના જાણકારો મારે આ વાટકીના શિરામણ જેવડા ધોળકામાં ક્યાંથી કાઢવા? આ કુગ્રામમાં કોણ કળાનો જાણનારો આવવા નવરો હશે?" રાણા વીરધવલ એમ કહી કહીને પોતાના કાંડા પરના કંકણ-કાવ્ય પર નજર ઠેરવતા હતા ને હસતા હતા. સોમેશ્વર પણ હસતો હતો. રાણાએ ગુરુને પૂછ્યું: “કેમ હસો છો?"

“ના રાણા, આપ હસો છો. એથી મને હસવું આવે છે.”

"મને કેમ હસવું આવે છે તે તમે ક્યાં નથી જાણતા? બાપુએ મારે કાંડે કોણ જાણે કયા સોલંકી મહારાજના કાંડાનું આ કંકણ પહેરાવ્યું છે, આ કંકણ પર