આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણિક મંત્રીઓ
93
 


"આ શું કરો છો?” જેતલદેવી તો દિમૂઢ બની.

“બા,” તેજપાલે ઊભા થઈ હાથ જોડ્યા, “તમારા ભાઈઓના ઘરની ચિંતા કર્યા વગર જ પહેરી લ્યો. એ તો એના પિયરનું છે; એની કુલમુખત્યારીનું છે.”

“પણ... પણ.... હું કેમ પહરું?”

“હું મારાં નણંદની અડવી ડોક કેમ જોઈ શકું?” અનુપમા બોલી, “ને નણદીબાની આવી સ્થિતિ જેણે કરાવી છે તેના અપરાધની પણ હું તો અર્ધભાગિની છુંને !"

"ઊભાં રહો, ઊભાં રહો,” એમ કહેતાં જેતલદેવી રાણા તરફ વળ્યાં, “આ પહેરીને હું રાજગઢમાં જાઉં તો તેની રક્ષા કરવાની ત્રેવડ તમારી છે?"

“બિલકુલ નહીં ચોખ્ખું કહી દઉં છું. મારે ઘેર લાવલશ્કર નથી, ને તારું પિયર વામનસ્થલી, પોતાની બહેન પર હોય તે કરતાં બહેનનાં ઘરેણાં પર વધુ પ્રેમ ધરાવે છે.” રાણાએ ભય બતાવ્યો.

“તો હું શું કરું?"

"પૂછી જો તારા ભાઈઓ થવા આવનારને. એમનાં બાવડાંમાં બળ છે?”

“બહેનનો રાજગઢ તોડવાનું બળ જ હતું તો બહેનના શણગાર ઉપર હાથ નાખનારા લૂંટારુઓને ભાંગવાનું તો બળ હશે જ ને?” રાણીના મોં પરથી એ બોલતી વેળા વિનોદ ઊડી ગયો.

“પિયરને દાઢમાં લીધું લાગે છે !” રાણા ખીલ્યા.

"પતિના ઘરની આબરૂ સાટુ.” એમ બોલતાં રાણી જેતલદેવી પોતાના મનમાં ઘડાઈ ગયેલ એક ભયંકર નિશ્ચયની ઝાંખી કરાવી રહ્યાં હતાં. અને રાણા વીરધવલે પણ જોયું કે હાંસી બહુ આગળ વધી ગઈ હતી. રાણીના મોં પર સ્વસ્થતા નહોતી.

“બા” વસ્તુપાલે કહ્યું, “તમે પહેરી લો. એ ઘરેણાંની તો હવે અમે જ રક્ષા કરશું.”

"સમજીને બોલો છો?” રાણીનો પ્રશ્ન સૂચક હતો. વણિકો હજુ કંઈ સમજતા નહોતા.

વીરધવલને રાણીની વાતમાં રહેલા મર્મની સાન આવી ગઈ હતી. પણ હજુ પોતાને પૂછવું બાકી હતું. તેથી તેણે વાતનો અંત આણ્યોઃ “અત્યારે તો પહેરી લો. રક્ષાની વાત વિગતે કરશું.”

*

તે જ રાત્રિએ ઉપાશ્રયમાં વિજયસેનસૂરિની પાસે ચાર પુરુષો એકઠા થયાઃ વસ્તુપાલ, તેજપાલ, સોમેશ્વરદેવ અને દેવરાજ પટ્ટકિલ. પટ્ટકિલ ધોળકામાં છુપાઈને