આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
17
ભણતરની ભેટ.

મોડી રાતે બેઉ ભાઈઓ ઘેર આવ્યા, તેજપાલ પોતાના ઓરડાની બહાર બિછાવેલી પથારી પર ઢળ્યો, અને પોતાનું બિછાનું શોધતા વસ્તુપાલને બહેન વયજૂકાએ કહ્યું: “મોટાભાઈ, તમારે સૂવાનું પાછલા ઘરમાં છે.”

“ઠંડી વાય એવી જગ્યાએ નથીને?"

"ઠંડી વાય તો સહી લેજો.” એમ કહીને વયજૂકા હસતી હતી.

પાછળના ફુરજામાં વસ્તુપાલ જતો હતો ત્યારે સામેથી એનું સ્વાગત કરવા જાણે મીઠી ને માદક કો સુગંધ આવતી હતી. એ સુગંધ ફૂલોની નહોતી, અર્કોની નહોતી, ધૂપ કે દીપની નહોતી; શાની હતી તે કહી ન શકાય, પણ વસ્તુપાલને પોતાના સંસ્કૃત ભણતરમાંથી એકાએક યાદ આવ્યું કે માનવીના દેહમાંથી પણ એક ન વર્ણવી શકાય તેવી ફોરમ લહેરાય છે.

દીવો ત્યાં નહોતો, ચંદ્રનો પ્રકાશ પણ નહોતો. પણ સામે શુક્ર તારાની પૂરી કળા ખીલી હતી તે પરસાળમાં અજવાળાં ચાલતી હતી.

પેલી સુગંધ એ અજવાળામાં વધુ ને વધુ મહેકવા લાગી. વસ્તુપાલને આ સુગંધ એકાએક પરિચિત લાગી, કોઈક દિવસની, વર્ષો પૂર્વેના કોઈક એક ચોઘડિયાની ગાઢ ઓળખાણવાળી લાગી. વર્ષો પૂર્વે તે પછી કદી નહીં ને આજ ! વચગાળાનાં વર્ષોમાં એ સોડમનો સ્પર્શ શું કદીયે થયો નહોતો?

થયો હતો: કોઈ કોઈ વાર સ્વપ્નમાં કોઈ કોઈ વાર સરસ્વતીનાં નીરમાં સ્નાન કરતે કરતે; કોઈ કોઈ વાર રઘુવંશ અને શાકુંતલ ભણતે ભણતે; કોઈ કોઈ વાર કોશા અને સ્થુલિભદ્રનો રાસ વાંચતે વાંચતે. પણ ન ભુલાય તેવી સાંભરણ તો પાંચ વર્ષ પૂર્વેની એક રાત્રિના અખંડ જાગરણની એ ફોરમની હતી.

કંકણનો ખણખણ અવાજ થયો. કોઈ એની પથારી પર બેઠું હતું. સ્ત્રી હતી.

વસ્તુપાલ શરમાઈને પાછો ફરવા જાય છેઃ ભૂલથી કોઈક બીજી બાજુ આવ્યો હોવાનો ભ્રમ એક ઘડી એના પગ પકડી રહ્યો, ત્યાં તો શબ્દો સંભળાયા: “ભણેલ કરતાં તો ભરવાડ ભલો !”