આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
98
ગુજરાતનો જય
 

થંભી રહ્યો. આ કોણ? “કોણ, લલિતા?”

"છેક હવે પારખીને ?” પથારીએ બેઠેલીએ ઊઠીને કહ્યું, “ભરવાડ તો ઘોર અંધારેય બકરું ઓળખી કાઢે. ભણેલા...”

ત્યાં તો વસ્તુપાલે એ સ્ત્રીને ભુજામાં લપેટી લઈ એના મોં પર ચૂમીઓ પર ચૂમીઓની મુદ્રા ચોડી દીધી. “ક્યારનો યાદ કરવા મથતો હતો કે આ સુગંધ કોની? તું આવી ક્યારે? મેં તો તારા બાપુને સંદેશો કહેવરાવ્યો નથીને?”

"અમે તો ગામડિયાં રહ્યાં. પાટણથી તમે નીકળ્યા ત્યારથી જ મારા ગામને પાદર ગંધ આવતી હતી, કવિશ્રી!” એમ કહેતી વસ્તુપાલની પરિણીતા સ્ત્રી લલિતાદેવીએ કવિ-પતિના કંઠ ફરતી બેઉ હાથની માળા રચી લીધી.

વસ્તુપાલની કાળી, લાંબી, ઘાટી ચોટલીઓની લટો લલિતાની છાતી પર, સેવ જેવી ચળાવા લાગી.

"લે; દીવો તો કર.” એણે કહ્યું.

“ના, રૂપાળા છો તે તો હું જાણું છું. જોઈ લીધા છે માહ્યરામાં જ.” એમ બોલતી બોલતી એ પતિના મોં પર હાથ ફેરવતી હતી. આંગળીઓને ટેરવે ટેરવે આંખો ફૂટી હતી. “ઊભા રહો, તમે ખૂબ ખૂબ ભણી આવ્યા છોને!” લલિતાએ છૂટી પડી સામે ઊભીને કહ્યું.

“તે શું છે?”

“ઇનામ લઈ આવી છું.”

“લાવ જોઉં!”

"જે દઈશ તે લઈ લેવું પડશે.”

"જરૂર.”

“તમે દીવો પેટાવો ત્યાં હું લાવું છું.”

દિવેલ પૂરેલી પિત્તળની દીવીમાં બે વાટો પેટાવીને વસ્તુપાલ ચોમેર જોવે છે, તો લલિતાનો સામાન્ય શણગાર નજરે પડે છે. ધુપેલ તેલનો એક કૂંપો છે, એક મોટી બચકી છે અને એક શ્રીફળ પડ્યું છે. બાકી તો ઓરડામાં સુગંધ સુગંધ છે. એ સુગંધ બીજી કોઈ નહીં, લલિતાના તંદુરસ્ત, તેજસ્વી યૌવનની જ એ સુગંધ છે. એવી જોબનમસ્તને લપેટાયેલો પોતાનો દેહ પણ એને મહેક મહેક થતો લાગ્યો. પોતાના હોઠ પર પણ લલિતાના ગાલનો પરાગ જાણે ચોંટી ગયો !

લલિતા બહાર ગઈ હતી. ત્યાંથી એ પાછી આવી ત્યારે એની સાથે એક બીજી સ્ત્રી હતી. લલિતાથી એક વર્ષ નાની, મોં નીચે ઢળેલું, વસ્ત્રો સાદાં, શણગાર કશો નહીં. મોતીમાં લળકતા પાણી જેવું યૌવન.