આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
102
ગુજરાતનો જય
 

ચુડેલ થઈને વળગશે. એટલો તો વિચાર કરો, કે હું મારા માથે શોક્ય લઈ આવતી હઈશ તે કંઈ કપરું ધર્મસંકટ હોયા વગર?”

“પણ આ વળગાડ વળગ્યો ક્યાંથી એને?”

“તમે તોરણ છબવા આવ્યા તે જ ઘડીથી. એ તો ગાંડી થઈ ગઈ છે.”

“લલિતા!” વસ્તુપાલને આ સ્ત્રી વિચિત્રમાં વિચિત્ર લાગી, “તું તે ઉદાર છે કે ગમાર?”

"બેમાંથી કશું નહીં, મારે તો તાલ જોવો છે.”

“શો તાલ?

"કે કવિરાજ કવિતારસને સાચેસાચ માણી શકે છે કે નહીં?

"વારુ ત્યારે!” વસ્તુપાલ એક દુત્તું હાસ્ય કરીને ઊઠ્યો, “બતાવી દઈશ. આ પણ ભલું રોનક પેઠું મારા જીવનમાં.”

“હાં, એમ વિચારીને માણો.”

ને પછી શુક્રતારાએ, આ બે જણાંની દયા ખાઈને – કે પછી દાઝે બળીને - આકાશમાંથી પોતાની કળા સંકેલી લીધી. વળતા દિવસની રાતથી તો ચંદ્રમાનો અમૃતકુંભ પણ બે પત્નીઓના વણિક રસરાજને ઓછો પડ્યો. ઘડિયાં લગ્ન પતાવી લીધાં હતાં.