આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
106
ગુજરાતનો જય
 


“થોભો, બાપુ !” વસ્તુપાલે ફરી સ્મિત કર્યું.

"કેમ? શી વાર છે?”

“વાર ફક્ત એટલી જ કે પહેલાં આપ અમારા ઘરની સમગ્ર સંપત્તિની ટીપ કરી લ્યો.”

"શા માટે?”

“એટલા માટે કે રાજાઓનાં કાન હોય છે કાચાં; દુર્જનોના હોઠને ને રાજાઓના કાનને બહુ બનતી હોય છે, તે દહાડે કોઈ અમારા સામે કાન ભંભેરે તો તે દિવસ અમારી આજની સંપત્તિથી વિશેષ જેટલું અમારા ઘરમાંથી નીકળે તેટલું રાજનું સમજવું.”

"ને બાકીનું?’

"બાકીનું રાજા દંડ લેખે આંચકી લઈ શકે. એથી વધુ નહીં.”

“ઠીક છે. ટીપ તો કરશું, તમે જ કહોને કેટલી સંપત્તિ છે?”

“બે લાખ દ્રમ્મ."

"કબૂલ છે.”

“તો કરી આપો લખત, લાવો મુદ્રા, અને મહારાજ –"

"હું મહારાજ નથી, ભાઈ !” લવણપ્રસાદ સહેજ દીન બન્યો, “ગુજરાતનો મહારાજાધિરાજ આજે કોઈ નથી.”

“તો અમને આપની વૃદ્ધની આશિષ આપો રાણાજી, કે અમે ગુજરાતનો ધ્વજધારી મહારાજાધિરાજ ફરી ખડો કરીએ.”

"વસ્તુપાલ, તેજપાલ !” લવણપ્રસાદનો અવાજ ભારે થયો, “આશિષો તો મારા હૈયામાં એકેય નથી રહી. હું તો ચોગરદમ કાળ-અંધારાં ભાળી રહ્યો છું. પણ મારી આશિષ તો મારી આ તલવાર છે. તમને જ્યારે તલવારનો ખપ પડે ત્યારે કહેજો, હું આ એકના એક દીકરાને સૌની આગળ જુદ્ધમાં ઓરીશ; એ પીઠ ફેરવશે તો એની પીઠ હું ઝાટકે ફાડીશ. ને હું તો એવા એક દિવસની જ વાટ જોઈ બેઠો છું, જે દિવસ ગુર્જર દેશને માટે આ કાયાના કટકા થાય.”

"મહારાજ – રાણાજી, બસ બસ. આશિષો પહોંચી ગઈ.” એમ કહેતા બેઉ લવણપ્રસાદના પગમાં નમ્યા.

"બોલો ત્યારે,” લવણપ્રસાદે પૂછ્યું, “કામની વહેંચણી કેવી રીતે કરશો?”

“તેજપાલને સેનાધિપતિ નીમો."

"સેનાધિપતિ?” લવણપ્રસાદને નવાઈ લાગી, “શેઠ, તમે લડવા જઈ શકશો?"