આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વઠકમાંથી વીર
109
 

નથી એથી તો પિયરની દ્રશ્ય બંધ થઈ જ ભલી” કહેતાં કહેતાં રાણીની આંખે જળ દેખાયાં.

“આ કોણ, ગઢનો વંઠક છે." તેજપાલે આડી વાત નાખવા વીરમદેવ કુંવરનું ઘોડિયું ખેંચતા જુવાનને જોઈ પૂછ્યું.

"હા, એલા ભૂવણા આંહીં આવ.” જેતલદેવીએ વંઠકને બોલાવ્યો, “આણે શાં પરાક્રમ કર્યાં ખબર છે? તમારા રાણા બે'ક મહિના પહેલાં ચંદ્રશાળા(અગાશી)માં પોઢ્યા હતા, અને આ પગ ચાંપતો હતો. અજવાળી રાત હતી. રાણાએ માથા ઉપર પિછોડી ઓઢી હતી. આ બહાદરે માન્યું કે રાણો પોઢી ગયા છે. એટલે હળવે હાથે રાણાના પગને અંગૂઠેથી રતનજડાઉ કરડો કાઢી લીધો, કાઢીને મોંમાં મૂકી દીધો. રાણાએ તો છાનામુના પોઢી ગયા હોવાનો જ ઢોંગ ચાલુ રાખ્યો. આને કાંઈ કહ્યું નહીં. રાણાએ તાલ જોવા બીજે દિવસ પાછો બીજો જડિત કરડો પગમાં પહેરી લીધો; પાછા પગ ચંપાવતા ચંપાવતા પોઢી જવાનો ઢોંગ કરીને માથે ઓઢી પડ્યા. રહ્યા, એટલે આ બહાદરે પાછો બીજો કરડો સેરવવા માંડ્યો. ત્યારે પછી રાણાએ પડ્યાં પડ્યાં કહ્યું કે ભા, હવે રહેવા દે. હવે ત્રીજો પહેરવા રહ્યો નથી” એમ વાત પૂરી કરીને જેતલદેવી હસવા લાગ્યાં.

"પછી એને દંડ શો દીધો. રાણાજીએ, હેં બા?”

"હું તો રાણા આવ્યા ત્યારે એને ફટકારવાનું કહેવા ગઈ, પણ તમારા રાણાએ જ મને સંભળાવ્યું કે, તારો ભાઈ રાજનો ધણી તોય બેનને બાવી કરી જરજવાહિર ઉપાડી ગયો, તો આ તો કંગાલ વંઠક છે ! ક્યાં મોલાતો ચણાવવાનો હતો? ક્યાંક એનાં માવતર કે ભાંડરુ ભૂખે મરતાં હશે એને પેટ રોટલો પહોંચાડત કે બીજું કાંઈ? એમ કહીને ઊલટાનો એનો દરમાયો વધારી દીધો છે. લ્યો ભાઈ, આવા રાજાના તમે મંત્રી થયા છો, એટલે મારે કંકુ ચોખા ચોડ્યા વગર છૂટકો છે કાંઈ?”

રાણા વીરધવલે પાછલા રવેશને રસ્તેથી પ્રવેશ કરતે કરતે કહ્યું: “સોરઠની દિકરી રાજરાણી, ને તેમાં ભળ્યા વાણિયા મંત્રીઓ !"

"પછી તો કારસ્તાન રચાય જ ને, બાપુ !" વસ્તુપાલે વાક્ય પૂરું કરી આપ્યું.

પણ તેજપાલની નજરમાંથી ભૂવણો ગોલો હજુ ખસતો નહોતો.

"બાને વાંધો ન હોય તો એ વંઠકને હું લઈ જાઉં.” વસ્તુપાલે માગણી કરી.

“ચોરને"

“વીર બનાવીશ.” વસ્તુપાલે ધીમેથી કહ્યું.

"આપે તો સાંભળ્યુંને?” જેતલદેવીએ વીરધવલને કહ્યું, “આપના નવા કારભારીઓ ગોલાનું લશ્કર ઊભું કરવાના છે.”