આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વંઠકમાંથી વીર
111
 

રાજધણીની કે સેનાપતિની એકાદ ધૂન ખાતર યમને દાતરડે હૂંડાં માફક વઢાઈ જવું પડે છે. માટે જ મેં એવી યોજના મૂકી છે કે જેમાં કોઈ લડાઈ કરવાની જરૂર નથી ને નાણું વસૂલ થવાનું છે. એ નીતિનું ફળ છ જ મહિને જોશું. પ્રત્યેક માણસની જિંદગી આપણે મન મોંઘી છે એમ જે ઘડીએ ગુજરાતના ગરીબ માવતરો જાણશે તે ઘડીએ જ ધોળકામાં સૈનિકોનાં પૂર ઊમટશે.” બોલતાં બોલતાં ત્રીશ વર્ષના વસ્તુપાલની આંખો આત્મશ્રદ્ધાનાં સ્થિર તેજે ચમકી રહી. “ને પેલા રાજગઢના વંઠક ભૂવણાને જો સુભટ બનાવી આપે, તો હું માનું કે તું સેનાપતિ થવાને લાયક છે. જેહુલ ડોડિયો, ક્ષેત્રવર્મા અને સોમવર્મા ખરા સાચવવા જેવા ક્ષત્રિયો છે, એ તેં જોયું?”

“કેમ?”

"પાછલા અધિકારીઓ વિશે આપણે પૂછેલા સવાલોના ટૂંકા જવાબો આપવા સિવાય કશી જ ચાડીચુગલી કે રોદણાં રડવાની નબળાઈ બતાવી? એ એક જ ચિહ્ન બસ હતું. એમને સાચવીને ચાલજે. અને...” વસ્તુપાલ મંત્રીમંદિર તરફ જતે તે કાંઈક કહેતો કહેતો રહી ગયો, “કઈ નહીં લે.”

“શું કહેવા જતા હતા? કહો. હું ઉતાવળિયો છું એમ ફરી કહેવા જતા હતાને?” તેજપાલે સ્મિત કરીને પૂછ્યું.

“ના, એથી કંઈક વધુ કડવું, પણ હવે અત્યારે કાંઈ નહીં.”

વસ્તુપાલના હોઠે આવેલા બોલ હૈયે ઊતરી ગયા; એને ઘેર બેઠેલી અનોપ વહુ યાદ આવી હતી; એને ખબર પડી ગઈ હતી કે છ મહિનાથી અનોપ આવી છે અને છતે ધણીએ રંડાપો ગાળે છે, કેમ કે એ સહેજ શામળી છે.

ના, કદાચ એ કરતાં એક વધુ સબળ કારણ છે. અનોપ વધુ બુદ્ધિવંતી છે ! ધણીને વધુમાં વધુ ઈર્ષ્યા પોતાના કરતાં વધુ અક્કલવાન સ્ત્રી ઉપર સળગતી હોય છે એવું જ્ઞાન એણે પાટણની પાઠશાળામાં મેળવ્યું હતું. પણ પોતે આજે કંઈ કહેવાની સ્થિતિમાં ક્યાં હતો? પોતે તો બે રૂપસુંદરીઓને પરણીને બેઠો હતો !

પણ તે દિવસ રાત્રિએ એણે જોયું કે તેજપાલની પથારી રોજની માફક બહાર નહોતી. પત્નીના પ્રતાપે મંત્રીપદ પામેલો તેજલ કંઈક કૂણો પડ્યો લાગ્યો.