આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
19
ખંભાત પર

તેજપાલ મંત્રી જ્યારે કશા સૈન્યની જરૂર પડ્યા વગર જૂના અધિકારીઓને અને ગામડાંના રાજપટેલોને દંડ્યે જતો હતો, ત્યારે વસ્તુપાલનાં આચરણો અને આદતોથી લોકો વિસ્મય પામતા હતા. એને શોધવો હોય તો જેન દેરાસરોનાં ભોંયરાંના પુસ્તકભંડારોમાં ભટકવું પડે. ઉનાળાના દિવસોમાં એ સિદ્ધનાથની જગ્યામાં જઈ ભાંગ પીએ છે ને રાણકી રૂડીની વાવમાં એકાદ પ્રહર સુધી સ્નાન કરતો પડ્યો રહે છે. રાત્રિએ તો એને રસક્રીડા કરવાની બે માનવ-પૂતળીઓ મળી ગઈ છે. અને લોકોમાં વાત પ્રસરી ગઈ છે કે વસ્તુપાલ બેઉ સ્ત્રીઓને શણગારો સજાવવામાંથી નવરો થતો જ નથી. લલિતા અને સોખુના અંબોડામાં ગૂંથવાને કાજે એ ધોળકાનાં સુવિખ્યાત ફૂલો વિણાવતો, પોતે પણ વીણવા જતો; અને તે બેઉને ખોળામાં બેસારી કવિતાનાં પોથાં વાંચતો. વિલાસી તરીકે એની કીર્તિ વિસ્તરતી હતી.

વિજયસેનસૂરિએ પોતાના વિહાર દરમ્યાન ખંભાતમાં ખબર જાણ્યા કે વસ્તુપાલે પોતાના ઘરને મદ્યપી-રંગીભંગી બ્રાહ્મણોનો અખાડો બનાવ્યો છે. સોમેશ્વર સાથે કવિતા કૂટે છે !

ખબર દેનારે પચીસ-પચાસ માણસોની વચ્ચે જ ખબર દીધા; એ ખબર શહેરમાં વિસ્તર્યા ને છેક સદીક શેઠ પાસે પણ પહોંચી ગયા.

સદીકે સાંભળ્યું તો હતું કે ધોળકાનો કારોબાર બે શ્રાવકોના છોકરાઓને સોંપાયો છે, અને ખંભાત પણ પાટણના સર્વાધિકારીએ ધોળકા નીચે મૂકી દીધું છે. એ થયાંને એકાદ વર્ષ વીતી ગયું છતાં મંત્રી ખંભાત તરફ ફરકેલ પણ નહીં. એમાં આ વસ્તુપાલની વિલાસડૂબી કારકિર્દીના ખબર પડ્યા એટલે સદીક શેઠનો જરીક ઊચક થયેલો જીવ પણ નિરાંતવો બન્યો.

ખંભાતની અઢળક બંદર-કમાણી સદીક શેઠના ખજાનામાં ઠલવાતી રહી. રાતા સમુદ્રનાં બંદરો, સદીક શેઠના ઘરના ઉંબરમાં હતાં. સદીકનાં વહાણો છેક ચીન અને સોફાલા સુધી જઈને રેશમી વસ્ત્રો વેચતાં. 'દુનિયાનું વસ્ત્ર' એવું બિરદ પામેલ ખંભાત બંદરની જકાતનો ઇજારો સદીકના હાથમાંથી ઝૂંટવવાની કોઈની