આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
114
ગુજરાતનો જય
 

“હતા, હવે નથી.”

"કેમ જાણ્યું? બાર મહિનાથી તો આંહીં ભાંગ પીતો પડ્યો છે!”

“મેં પીધી છે કે સદીક શેઠે, તે આપ જોશો.”

"ઠીક, બતાવજો ત્યારે. હું તો આ બેઠો નિરાંતે.”

એમ કહીને વીરધવલે રીસમાં ને રીસમાં, પોતે ખંભાત પર ચડવાની જે જબરી તૈયારી કેટલાય દિવસો સુધી કરી રાખી હતી તે વિખેરી નાખી અને રાણીવાસમાં જઈશ તો મહેણાં ખાવાં પડશે એ બીકે પોતે એક રાત ચંદ્રશાલામાં જ સૂઈ રહ્યો.

સાંજ વખતે વસ્તુપાલે ફક્ત અઢીસોની સેના સાથે પાણિયારી દરવાજેથી ખંભાતમાં પ્રવેશ કર્યો અને રાજગઢના ઉતારામાં એણે સદીક શેઠના આવવાની રાહ જોઈ. આખરે થાકીને એણે સદીકને ખબર આપ્યા કે મંત્રીનો મુકામ થયો છે, મળી જજો.

સદીકની ઉમ્મર પંચાવન વર્ષની થઈ ચૂકી હતી, ને એનું બદન પહોળાઈમાં આગળ વધ્યું હતું. મર્દન અને ચંપીનો શોખ એનો સતેજ બન્યો હતો. ગુલામ સ્ત્રીઓના હાથનાં મર્દન અને ચંપી એને સવિશેષ માફક આવતાં હતાં.

પલંગ પર સૂતે સૂતે એ ખંભાતના સર્વસત્તાધીશ નૌવિત્તકે જવાબ કહેવરાવ્યો કે, “રસમ તો એથી ઊલટી છે, ભાઈ! આંહીં આવીને મંત્રી વાતો કરી શકે છે. કહો તો સુખપાલ (પાલખી) મોકલું.”

એ જવાબથી વસ્તુપાલના લમણામાં સટાકો નીકળી ગયો. પણ ઓશીકા સાથે લમણાં દબાવીને રાતની રાત સૂઈ જવા વગર ઇલાજ નહોતો. પોતે સાંભળ્યું હતું તો ઘણું, કે પ્રજા સદીકથી ત્રાહિ પોકારીને કોઈક મુક્તિદાતાની જ રાહ જુએ છે, પણ પ્રજાવર્ગમાંથીયે કોઈ ચકલું ફરક્યું નહીં. સૈન્ય ઓછું લાવવાની એની જે ગણતરી હતી તે ખોટી પડી. અધરાત પછી એણે સેનાના ઉપરી ક્ષેત્રવર્મા, સોમવમ અને જેહુલ ડોડિયાને જગાડી મસલત કરી.

“એમ કરો, જેહુલ!” વસ્તુપાલે એક એવી સૂચના કરી કે જે સાદી હતી છતાં એકદમ સૂઝે તેવી નહોતી, “પહેલાં પાણિયારી દરવાજા પરના પહેરેગીરોને બદલી નાખો. સોમવર્માને જ એ દરવાજો સુપર્દ કરો. પછી આપણા અઢીસોને અત્યારે એ દરવાજેથી શહેર બહાર કાઢો. શહેર બહાર ધોળકાને રસ્તે લઈ જઈ કર્ણાવતી દરવાજેથી પાછા અંદર લઈ આવો. ફરી પાણિયારી દરવાજેથી એ ને એ અઢીસોને બહાર કાઢી ફુરજા દરવાજેથી પાછા પ્રવેશ કરાવો. ફરી લઈ જઈ મકા દરવાજેથી અંદર લાવો, ને પછી પાટણ દરવાજેથી. અંદર આવતી વેળા ઘોડાંને બે'ક વધુ તબડાવતાં લાવજો. પેદલોને પણ પ્રત્યેક દરવાજે વધુ જોરથી પગ