આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંભાત પર
115
 

પછાડવાનું કહેજો. સવારે ઊઠીને ખંભાત જાણશે કે નવું સૈન્ય રાતોરાત આવી પહોંચ્યું છે ને રાજગઢમાં સેનાને ઊતરવાનો વિભાગ બંધ રાખજો. એકેય યોદ્ધાને કાલે શહેરમાં જવા ન દેતા.”

અને ધોળકા એણે સાંઢિયો રવાના કરી તેજપાલને કહેવરાવ્યું કે રાણાજીની ખાલી પાલખી, પડદા પાડેલી, પાંચસોક નવા સૈનિકો સાથે મોકલે; રાણાજીને ન આવવા દેવા.

જુદેજુદે દરવાજેથી એના એ અઢીસો સૈનિકોની ધમધમાટભરી આવ-જાનો કીમિયો પ્રભાત પડતાં ફળીભૂત થયો. ઘેરઘેર ખબર પડી ગઈ કે રાતોરાત બે'ક હજારનું લશ્કર ધોળકા ને પાટણથી ઊતરી પડ્યું છે.

અને સવારમાં જ ગામમાં ઢોલ પિટાવ્યો કે જલમંડપિકાને સ્થલમંડપિકાનો (તરી અને ખુશકી જકાતનો) વાર્ષિક ઇજારો આજ ને આજ આપવાનો હોઈ વેપારીઓએ બીજે પ્રહરે મંત્રી પાસે હાજર થવું. કાલે રાણાજી આવે છે.'

વ્યાપારીઓ ભેળા થયા. રંગભંગી અને બે પત્નીઓના વિલાસી ભરથાર વસ્તુપાલને બદલે તેમણે એક કરડો, ચપલ અને મક્કમ વસ્તુપાલ દીઠો. વ્યાપારીઓને એણે જાહેર કર્યું: “હું પોતે મારો કાયમી મુકામ આંહીં રાખવાનો છું. હું જાણું છું કે આંહીનો જળ-સ્થળનો વ્યાપાર કેટલો મોટો છે. મને છેતરવાનો પ્રયત્ન કોઈએ કરવાનો નથી. યોગ્ય રકમે ઈજારો લેવા કોઈ શ્રેષ્ઠી તૈયાર નહીં હો તો રાજ પોતે જ માંડવી ઉઘરાવી લેશે.”

આ શબ્દો સાંભળીને કેટલાક વ્યાપારીઓ પાછળ જોતા હતા. સૌને નવાઈ થતી હતી કે સદીક શેઠ હજુ કેમ નથી આવ્યા.

"હવે જે કોઈ ન આવ્યા હોય તેની રાહ જોવાની નથી.” એમ કહીને વસ્તુપાલે પહેલી માગણી જાહેર કરી.

"સદીક શેઠ હજુ નથી આવ્યા.” કોઈએ મંત્રીને જાણ કરી.

"કંઈ ચિંતા નહીં. માગણી કરી.”

માગણી ચડવા માંડી. ચડી ચડીને ખુશ્કી જકાત ત્રણ લાખ પર ગઈ, ને તરી જકાત પાંચ લાખને આંકડે પહોંચી

જાઓ, હવે કોઈ પૂછી આવો સદીક શેઠને,” વસ્તુપલે મોં મલકાવીને કહ્યું, "કે આટલાથી વધુ ચડવું છે એને? નહીં તો માગણી અફર કરી નાખું છું.”

ગયેલા માણસે પાછા આવીને સંદેશો કહ્યો કે "ખુશીથી બીજાને આપી દે એમ સદીક શેઠે કહેવરાવ્યું છે.”

“પત્યું!” કહી એણે માગણી અફર કરી. પ્રજા જોરમાં આવી.