આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંભાત પર
117
 

ચેતાવું?"

“શું છે, સદીક શેઠ, જલદી કહી નાખોને!" વસ્તુપાલે વિહ્વળતા બતાવી.

"બીજું કાંઈ નથી જનાબ, ભૃગુકચ્છના શંખનું કટક છે. આમ હરેક વખતે દેખાય છે, દમ ભરાવે છે, ને મારું કલેજું ચૂસે છે.”

“તો કેમ આવેલ છે?”

"આપનું પધારવું થયું છે એટલે ખબર કાઢવા કે શી નવાજૂની કરો છો.”

સદીક ઠંડે કલેજે બોલતો હતો. પોતાના મિત્રને સદીકે જ રાતોરાત તેડાવ્યો હતો એ સમજાઈ ગયું. વસ્તુપાલને ભાન આવ્યું કે પોતે વ્યાકુળતા બતાવવામાં બાજી ગુમાવી બેઠો છે. એણે સીનો પલટી નાખ્યો. એણે લાપરવાઈ ધરીને કહ્યું:

"ઓહોહો ! મેં તો ધાર્યું કે યાદવ આવ્યો હશે દેવગિરિથી ચડાઈ લઈને. બાપડો શંખ આવ્યો છે એમાં આટલી બધી દોડાદોડી શાને ? ઊતરવા દોને, ભાઈ ! આપણે મસાણમાં રહેવું ને વળી ભૂતનો શો ભો”

“એમ ન કહો, જનાબ,” સદીકે વિષ્ટિ માંડી, “એનું મોં કાળું કરીએ, એને કાંઈ દઈને આપણે વળાવી દઈએ.”

"શું દઈને ?”

"લાખેક દામ(દ્રમ્મ)થી રીઝી જશે.”

“સદીક શેઠ!” વસ્તુપાલે અવાજને મોકળો મૂક્યો, એ અવાજે રાજગઢનાં છાપરાંમાં ચોંટેલાં ચામાચીડિયાંની શાંતિ વિદારી, “તમે તો રાજનું ધન ખૂબ દબાવ્યું છે – શાહુકાર છો એટલે વળાવો. હું તો લડાઈ જ સ્વીકારીશ.”

"વાહ ! તો તો જનાબ, ડંકો વાગી જાય. હું પણ એ જ મતનો છું. આપણે ચડીએ. આપનું કટક કાઢો બહાર. હું પણ મારી બેરખને બોલાવું છું.”

"ના, તમે તમારી બેરખ લઈને જાઓ, શેઠ, મારે કાંઈ ઉતાવળ નથી.”

સદીકના ગયા પછી પ્રથમ તો વસ્તુપાલે શાસનદેવનો આભાર માન્યો કે પોતાને અંદરથી વિહ્વલતાનો પાર નહોતો છતાં પોતે સદીક સમક્ષ ગંભીર રહી રાક્યો, ને વળતી જ ક્ષણે એણે વધુ સૈન્ય બોલાવવા માટે ધોળકા તરફ ઘડિયા જોજન સાંઢ્ય રવાના કરી. રાજા વીરધવલ પાસે બેવકૂફ તરીકે પુરવાર થઈ જવાની ઊંડી બીક એને લાગી ગઈ. એણે સદીક શેઠને ફરીવાર તેડાવ્યા ને વાતને ઢીલમાં નાખવા પાછી જુદી જ વિષ્ટિ આદરીઃ એની એ ઠંડીગાર અદાથી ગાદીતકિયા પર ઢળેલ શરીરે એણે કહ્યું: “શેઠ, જુઓ, તમે નક્કી કરી જો કાંઈક રકમે રીઝતો હોય તો. આપણે ધોળકે ખબર દઈને રાણાને પુછાવીએ.”

"પાછો આપે મત બદલ્યો? મેં તો મારી બેરખ સજજ કરીને બહાર કાઢી.