આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
118
ગુજરાતનો જય
 

છે.”

“હા, મને વળી પાછું એમ લાગે છે કે તમારી ચાલુ રસમમાં હું ફેરફાર કરીશ તો પાટણમાં મોટા રાણાને ગમશે નહીં.”

"મારો પણ એ જ સબબ છે, જનાબ ! કે આ તો વેપારી ગામ છે. રસમ શા માટે તોડવી? દેશે એ તો નવો ઇજારો લેનારા. ક્યાં રાણાને દેવું છે?”

“તો તમે જાઓ ને વિષ્ટિ કરો. હું તો આંહીં બેઠો છું. અને માંડવીનો ઇજારો તો હું હજુય દસ વાર ફેરવી શકું છું. તમે જ રાખોને, ભલામાણસ !”

રાજી થઈને સદીક ગયો, અને વસ્તુપાલે શરીર પર કવચ ભીડવા ને આયુધો સજવા માંડ્યાં, કટકને ચડવાની છૂપી આજ્ઞા દીધી.

જેતલદેવીના રાજગઢનો ગોલો ભૂવણો, જેનું કનિષ્ઠ નામ રદ કરીને વસ્તુપાલે ભુવનપાલ નામે સૈન્યમાં સ્થાપ્યો હતો, જેને પોતે પોતાનો અંગરક્ષક બનાવ્યો હતો, તે ભુવનપાલ મંત્રીને શસ્ત્રો સજાવી રહ્યો હતો. તેને મંત્રીએ પોતાના દિલની વાત કરી: “ભુવનપાલ, અણધાર્યું બન્યું છે. સદીકને તોડવા જતાં ભૃગુકચ્છનો શંખ ચડી આવશે એવી ગણતરી નહોતી. આજ મારા જીવનની પહેલી ને છેલ્લી કસોટી છે. પહેલી જ વાર સૈન્ય લઈને નીકળ્યો છું, ભુવનપાલ ! પરાજય પામીને આંહીંથી પાછા ધોળકે જવું નથી. હીરાકણી ચૂસીને આંહીં જ મરવું છે, ભુવનપાલ ! તું મારી બાજુએ રહેજે.”

ભુવનપાલ ચૂપ જ રહ્યો.

મંત્રીના મરણિયા નિરધારનો સંદેશો સાંભળતું નાનકડું સૈન્ય સજ્જ હતું. મંત્રી એ સૈન્યની સામે જઈને ઊભો રહ્યો ત્યારે એણે ઘણા ચહેરા ઢીલાઢફ દેખ્યા. મંત્રીએ સૌને સંબોધ્યાઃ “સૈનિકો, તમે કદી જુદ્ધ જોયું નથી. ગુર્જરદેશમાં વીસ-પચીસ વર્ષે આ પહેલું પારખું છે. આ તો માણસાઈનાં મૂલ મૂલવવાનો મોકો છે. લાટદેશનો શંખ એકલો પણ જો આંહીં ઠાર રહે તો પછી મને પરવા નથી કે ખંભાત રહે વા ન રહે, પણ શંખને લેવો – શંખનું શિર છેદી લેવું એ એક જ લક્ષ્ય રાખજો સહુ. શંખ પડશે એટલે બાકીના સૌ પલાયન કરશે. બોલો સૈનિકો, શંખને કોણ લેશે?”

“શંખને મેં લીધો, લાવો બીડું!” બોલતો ભુવનપાલ ખડો થઈ ગયો. એણે ભુજાઓ પટકી.

ભુવનપાલ હજુ સૈન્યમાં ભૂવણો મટીને ભુવનપાલ નહોતો થયો. એ ગોલો તો મશ્કરીનું પાત્ર હતો. બીડું લઈને એ બેસી ગયો, એની પાસે બેઠેલા એક સૈનિકે ટોણો માર્યો: “મરીશ તો મંત્રી ખાંભી નહીં ખોડાવે!”