આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંભાત પર
119
 

મંત્રીએ સૈનિકોમાં આ હતાશાનો શબ્દ સાંભળ્યો. એણે સૌને સંભળાવ્યું: “હું કુમારદેવીનો પુત્ર, મારી માતાના સોગંદ લઈને કહું છું કે હું જેટલા બનશે તેટલા ઓછા મરદોને જોખમાવીશ, ને જેનો દેહ પડશે તેના કુટુંબપરિવારનું જીવનભર પોષણ કરીશ.”

મંત્રીના બોલ વિદ્યુત-શા પડ્યા. ઝગમગાટ થઈ ગયો. સૈનિકો હતાશા ખંખેરીને ખડા થયા. અને મંત્રીએ જ્યારે જાણ્યું કે સદીક દરિયાબારા તરફ વિષ્ટિ કરવા બહાર નીકળી ગયો છે, ત્યારે એણે હુકમ દીધોઃ

“નગરના દરવાજા બંધ કરો, અને એક જ બારી ઉઘાડી રાખી ત્યાં જમા થઈ જાઓ. ને જેહુલ ડોડિયા, તમે પચાસ હથિયારબંધો લઈને બેસી જાઓ સદીકના મકાન ઉપર. ત્યાંથી જો કોઈ ચકલુંય બહાર ફરકે તો માથું ધડથી હેઠું પાડજો, પૂછવા વાટ જોશો નહીં.”