આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
20
'ભાગજે, વાણિયા!'

પાણિયારી દરવાજે સેના જમા થઈ ત્યારે પ્રજામાં સોપો પડી ગયો હતો. બે-પાંચ હજાર સૈનિકો લઈને ઊતરી પડેલા શંખથી સૌ કોઈ ધ્રુજતા હતા. વસ્તુપાલ જેવો વાણિયો લડશે કે પતાવટ કરશે તે નક્કી નહોતું. વસ્તુપાલે એક પણ પરાક્રમ કરીને પ્રજાને બતાવ્યું નહોતું. એ મુત્સદ્દી છે, વીર હોય કે ન હોય ! એને કોઈ નહોતું ઓળખતું ને શંખને સૌ કોઈ ઓળખતા હતા. ગુર્જર દેશના જૂના મંડળેશ્વર લાટપતિ સિંધુરાજનો એ પુત્ર હતો. સિંધુરાજ ભીમદેવ મહારાજના અંધાધૂંધીભર્યા અમલમાંથી જ ગુજરાતથી સ્વતંત્ર બન્યો હતો. ગુજરાતના દંડનાયકનું સ્થાન એણે ભૃગુકચ્છમાંથી ઉખેડી નાખ્યું હતું. ખંભાત મૂળ ગુજરાતનું હતું. તે પણ સિંધુરાજની આણ હેઠે જ ચાલ્યું ગયું હતું. અને રાણા લવણપ્રસાદે ખંભાત પાછું કબજે કર્યું હતું તે તો નામનું જ હતું. ખંભાત પર રાજદંડ ભલે પાટણનો ફરતો, પણ આણ સિંધુરાજના પુત્ર શંખ(ઉર્ફે સંગ્રામસિંહ)ની જ વર્તતી.

શંખે પાટણનું મંડળેશ્વરપણું કદી કબૂલ્યું નહોતું. શંખ જળમાં ને થળમાં વિકરાળ હતો. શંખે બાર રાજાઓને પરાજિત કરી તેનાં સુવર્ણ-પૂતળાં પોતાના સાથળ બાંધ્યા હતાં. ખંભાતથી એકાદ પ્રહરને જ જળમાર્ગે બેઠેલો શંખ આખી દરિયાપટ્ટીને ડારતો હતો. અખાતના ચાંચિયા શંખને આધીન હતા. એક તરફ પાટણની સત્તાનો ને બીજી બાજુ દેવગિરિના યાદવ સિંઘણદેવનો હરહંમેશ ઝઝૂમતો આક્રમણભય, એવાં બે મોત-જડબાંની વચ્ચે જીવતો, રેવાનો સ્વામી શંખ 'સાહણસમુદ્ર'નું બિરુદ ભોગવતો હતો. સદીકે એને લક્ષ્મીથી વશ કર્યો હતો. સદીક અને શંખ, બે જણાની દોસ્તીના નાગપાશમાં બંધાયેલું ખંભાત પાટણના કલેજામાં ખંજર સમું હતું. ગુર્જર મહારાજ્યના લલાટે ખંભાત જેવી કાળી ટીલી બીજી એકેય નહોતી. લક્ષ્મીના ખોળામાં લેટતું ખંભાત ગુર્જર રાજ્યની ગરીબીનો પળે પળે તેજોવધ કરતું હતું. છેક સોમનાથપ્રભાસથી લઈ ભૃગુકચ્છ સુધીના ગુર્જરકિનારાનું ચોકીદાર નૌકામથક ખંભાત હતું. એ ખંભાતનાં નૌકાદળનાં થાણાં વેરવિખેરીને સર્વભક્ષી મગરમચ્છ સમો શેલતો ને દરિયાઈ સિંહ સમી ડણકો દેતો શંખ ખંભાત પર બે-પાંચ હજારની ફોજ લઈને