આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
124
ગુજરાતનો જય
 

ભાવિ કેવું છે. પણ લઈ લે, તેં જેને અડગ પ્રેમશીલથી ઉપાસેલ છે તેના દિલભર દાનનો છેલ્લો કોલ. હાથ લંબાવ, ભુવનપાલ!”

ભુવનપાલની ખૂમચા જેવી પહોળી હથેળી પર વસ્તુપાલે પોતાના પંજાની તાળી દીધી ને એ તાળીને ઝીલી કરીને તુરત જ ભુવનપાલનો જમણો હાથ પોતાના કુંત (ભાલા) પર વજ્રમૂઠી ભરી રહ્યો. શત્રુસેના ગોળ કૂંડાળે ઘેરો નાખીને સામે ખડી હતી.

એ કરાળકાળ સૈન્યની સામે પટમાં છલાંગતો ભુવનપાલ ભાલો વીંઝીને ડણક્યો: “આમાં શંખ કોણ છે શંખ? શંખ જે હોય તે પડમાં આવે. શંખને લેવાનું બીડું ખાનાર હું ભુવનપાલ પડકારું છું.”

સામી સેનામાંથી એના નાયકે એક સુભટને ઇશારત કરતાં વાર એ સામો ધસ્યો ને પડકાર ઝીલતો કૂંડાળે પડ્યો: “આ રહ્યો હું શંખ, હું સાહણસમુદ્ર ! હું દરિયાનો દાનવ. નાખ તારો ભાલો, સોલંકીના કુત્તા !”

“આ લે ત્યારે.” એમ બોલીને ભુવનપાલે અંગ મરોડી એક બાજુ એ ભાલો તાકીને સમોવડિયાને થાપ દીધી. તાકેલી દિશામાંથી લોંચી ખાઈને પ્રતિસ્પધીએ પાસ બદલ્યું ત્યાં તો, પહેલી પંક્તિનો પાણીદાર નિશાળિયો લેખાનો ચાંપતો જવાબ વાળે તેમ ભુવનપાલે ભાલો અડાવ્યો. શંખ નામધારી એ ભરૂચી સૈનિકને ધરણી પર પટકી, એના ડબા પર પગ મૂકીને ભાલો પાછો ખેંચી લેતો ભુવનપાલ પાછો કૂદીને પડમાં ઊભો રહ્યો, ને ડણક્યો –

"કોણ છે બીજો સાચો શંખ હવે? હોય તે સામો આવે.”

આ વખતે એને થોડીક વાટ જોવી પડી. થોડોક વિલંબ થયો. સામી સેનામાંથી બીજો શંખ ખડો થાય તે પૂર્વે કાંઈક ગણગણાટ થયો. પણ વધુ વિલંબ કર્યા વગર બીજા સુભટે “હું છું શંખ, થઈ જા મર્દ બતાવ સોલંકી ઓલાદનું પાણી !” એવા હોકારે સાગરતીરને ગર્જાવ્યો. દરિયાના ઘુઘવાટે એમાં સૂર પુરાવ્યો. દરિયાઈ પંખીડાંના કલરાટ બોલ્યા. ને દુર દુર મોજાં સામસામાં અફળાઈને દ્વંદ્વયુદ્ધની રમતમાં ફોદેફોદા થઈ રહ્યાં હોય તેવો મામલો મચી ગયો.

“શાબાશ, શંખ ! શાબાશ તારી જનેતાને ! રંગ દૂધભર્યા લાટના શંખ, દૂધ દિપાવજે.” એમ પોતાના પ્રતિસ્પર્ધીને ભલકારા દેતો ને વસ્તુપાલની છાતીમાં ગર્વની છોળો છલાવતો ભુવનપાલ પોતાના ભાલાનું ભૈરવી ફળું વીંઝતો ધાયો. પોતાની સામે એણે સાક્ષાત્ યમરાજ ઊભેલો જોયો. એ માનવી ન હોય; એ પલીત હતો, ભૈરવ હતો. એનું મસ્તક ગગનમાં રમતું હતું. એના પંજામાં પકડેલ ભાલો પ્રેતલોકથી ઊતર્યો હતો જાણે.