આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેઘાણીની સર્જકપ્રતિભાના સૌથી પ્રભાવક આવિષ્કારો અલગ વૃત્તાંતોની માવજતમાં તેમ અલગ પ્રકરણોના સંવિધાનમાં જોવા મળે છે. તેમની મોટા ભાગની નવલકથાઓમાં એ રીતે અસંખ્ય પ્રકરણો અલગઅલગ રીતે જોતાં સુરેખ અને એકાગ્ર સર્જકતાનો સુખદ પરિચય આપે છે. સોરઠી લોકજીવનનાં પાત્રોની છબી કંડારી કાઢવામાં, તળ ધરતીનાં દ્રશ્યો આલેખવામાં અને પ્રસંગના સંચલનમાં તેમની અતિ લાઘવભરી પણ તેથી અસાધારણ બળ પ્રાપ્ત કરતી કથનવર્ણશૈલી તેમની સર્જકશક્તિનો વધુ પ્રભાવક આવિષ્કાર દર્શાવે છે.

તળપદી બોલીનાં પ્રાણવાન તત્ત્વોને આત્મસાત્ કરીને તેઓ આગવી શૈલી નિપજાવવા વિરલ પુરુષાર્થ કરતા રહ્યા છે.

પ્રમોદકુમાર પટેલ