આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
126
ગુજરાતનો જય
 

ભુવનપાલે કળી લીધું. એ તલવારની પીંછી, એના ફેરવનારના પગમાં એકબે વાર અફળાતી દેખી તેમતેમ તો ભુવનપાલનો નાનકડો દેહ વધુ સ્ફૂર્તિને હેલે ચડ્યો. હવા પણ જાણે કે એને ઊંચકી લેતી હતી.

ઓછામાં પૂરું, પ્રતિસ્પર્ધીનો લાગ ફાવતો નહોતો. તેની ટીકા પણ સંભળાતી હતી. શંખની ફોજમાંથી કોઈક પાછળ ઊભીને બોલી ઊઠ્ય: "પગ સંભાળ ! હાથને ડોંચ મા. નજર ક્યાં છે? ખાઈ બગાડવું કે?”

એ બોલ જે ઘડીએ લડનારના કાન પર પડ્યા તે જ ઘડીએ લડનારના રામ ઢીલા પડ્યા. એની યુદ્ધકળામાં પહેલી જ વાર કઢંગાઈ પેઠી. એ વધુ ઢીલો બન્યો, કેમ કે એણે વધુ ટીકા સાંભળી –

“અરે ! અરે ! હાં ! હાં ! આ તે શું હજામત કરે છે !”

એવા એના સાથીઓના શબ્દો એને સવિશેષ નાહિંમત કરી ગયા. સાથીઓને ચૂપ કરવા એ પાછળ જોવા ગયો. એ પલ ભુવનપાલ કેમ ચૂકે? એક જ ફટકો, ને પહાડની ટૂંકની પેઠે પ્રતિધ્વંદીનો દેહ તૂટ્યો. ધરતીએ 'ભફડાંગ' એવો શબ્દ સંભળાવી દીધો.

ભુવનપાલનું મસ્તક પોતાની પાછળ ઊભેલ સ્વામી પ્રત્યે જરા વાર ઝૂક્યું, પછી ધરતી તરફ નમ્યું. દિક્‌પાળોને પણ એણે વંદના દીધી ને એક પલ એણે તલવાર પર દેહ ટેકવી આરામ લીધો.

એ પળ બે પલની શાંતિનો જાણે કે રંગભૂમિ પર પરદો પડ્યો ત્યારે બગડેલા પ્રવેશ પર નેપથ્યમાં નાટકકારો જેવી તકરાર મચાવે છે તેવી તકરારના સૂર સામાં સૈન્યની પાછલી હરોળની આડશે કોઈકે મચાવ્યા હતા.

અને તેની પણ પેલી પાર એક આદમીનું મોં વીલું થતું હતું. એના ચહેરા પર કાળાશ ઢળતી હતી. ઘડી પૂર્વે એ સામા સૈન્યની પાછળ કશાક હાકલા-પડકારા કરતો હતો તેને બદલે અત્યારે એ સેનાથી અળગો પડી જઈ દરિયા તરફ પાછાં ડગલાં માંડતો હતો; ને એની નજર ખંભાતના કોટની રાંગ પર ફરતી હતી. રાંગેરાંગે લોકોની ગિરદી મચી ગઈ હતી – જાણે લોકો ગેડીદડાની રમત જોવા ચડ્યા હતા.

તલવાર પર ટેકો લઈને ભુવનપાલ એક ઘૂંટણભર ઢળતો ઊભો હતો. એને થાક ચડી ગયો હતો અને એના એક-બે જખમોમાંથી લોહી ચૂતું હતું. છતાં એણે શત્રુસેનાની સામે છેલ્લો પડકાર ફેંક્યો:

"અલ્યા ભાઈઓ ! આ શંખની માએ તે કેટલાક શંખ જણ્યા છે એ તો મને કોઈક કહો ! સાંભળ્યું તો હતું કે ભૃગુકચ્છનો શંખ એક જ છે, તો પછી શું આંહીં દરિયાને કાંઠે આવીને ઘણા બધા શંખલા બની ગયા છે? હવે તો હું થાકી ગયો