આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
21
સ્મશાનયાત્રા


રિયાતીર તરફથી મશાલોનું મંડલ વેગભર્યું આવતું હતું. મોખરે ત્રણ ઘોડેસવાર હતા. પાછળ સેના હતી.

“મંત્રીજી ! મંત્રીજી !” કોઈના સાદ પડતા હતા.

"આ રહ્યો છું. કોણ છે?” વસ્તુપાલે જવાબ વાળ્યો.

ત્રણેય અશ્વારોહીઓ આવીને ઊતર્યા: “જે કરણીજી રી ! મંત્રીજી !” એમ બોલીને ત્રણેય જણા મંત્રીને મળ્યા.

આ મશાલને અજવાળે ત્રણેયનાં મોં અને લેબાસ ઓળખાયાં – કોઈ રાજસ્થાની મેવાડી યોદ્ધા લાગ્યા. ભારી પ્રતાપી મોઢાં !

"આપનું ઓળખાણ ?” વસ્તુપાલે પૂછ્યું.

“અમારાં નામ: સામંતસિંહ, અનંતપાલ અને ત્રિલોકસિંહ. અમે જાબાલીપુરના ચાહમાનો, રાજા ઉદેસિંહના ભાઈઓ.”

"આંહીં ક્યાંથી?”

“માતા કરણીજીએ ભેટાડ્યા. આવ્યા હતા ધોળકે, વિશેષ વાતો મુકામે કરશું. ચાલો, શત્રુ તો ગયો; જરાક મોડા પડ્યા અમે, મંત્રીજી ! અમને મા જેતલદેવીએ ગફલતમાં રાખ્યા. નકર શંખ બાપડો જાવા કેમ પામત?” વડેરો સામંતસિંહ બોલ્યો.

ત્યાં તો શહેર તરફથી બીજી મશાલોની ચૂંગલી ચાલી આવતી દેખાઈ. અવાજો ઊઠતા હતાઃ “જેતલબાની જે ! જે રણચંડીની.”

“કોણ આવે છે? જેતલબા ! આંહીં ! આ ટાણે?” મંત્રીની બુદ્ધિ મૂંઝવણમાં પડી ગઈ.

“હા, વીરા !” દૂરથી જેતલદેવીનો ઊભરાતો ઉદ્ગાર આવ્યો: “ભાઈ મારા ! ક્ષેમકુશળ છો, બાપા?” એમ બોલતી હતી ત્યાં ગળું કહી દેતું હતું કે રુદનને મહામહેનતે રૂંધી રાખેલ છે.

"બા!” મંત્રીએ નીચે જોઈને કહ્યું, “આ દીઠો? આ તમારા વીરમદેવના ઘોડિયાની દોરી ખેંચનારો વંઠક ભુવણો પોઢ્યો છે, બા !" મંત્રીએ આંગળી ચીંધાડી.