આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્મશાનયાત્રા
131
 


જેતલદેવીએ ભુવનપાલના શબને ઓવારણાં લીધાં ને કહ્યું: “ઘોડિયાની દોરી તાણનારા પંજાએ વિજયની દોરી તાણી જાણ્યું ! ખમા, મારા બાપ !"

ખંભાતના શ્રેષ્ઠીઓ ને નાગરિકો, યવનો, પારસીકો, આરબો, નાગરો, બધાનાં ટોળાં આવી પહોંચ્યાં. ડંકા-નિશાન અને તૂરી-ભેરી વાગતાં આવે છે, શંખધ્વનિ થાય છે, મંદિરે મંદિરે દીપમાલા પ્રકટી છે ને ઝાલરો ઝંકારે છે. પ્રજાએ કહ્યુંઃ "પધારો મંત્રી ! સારુંય સ્તંભતીર્થ સામૈયાની તૈયારી કરીને ખડે પગે તલપાપડ ઊભું છે.”

"વિજયયાત્રા? મારી?” વસ્તુપાલ રૂંધાતે કંઠે બોલ્યો, “અત્યારે તો ન જ હોયના ! પહેલી તો સ્મશાનયાત્રા – આ શબની.” એણે ભુવનપાલ દેખાડ્યો, “ભલે જાણે ગુજરાત, કે મંત્રી વસ્તુપાલને એક અદનો સૈનિક પણ વધારાનો નહોતો.”

એટલું બોલીને એણે પોતાના માથા પરની પાઘ ઉતારીને ભોંય પર મૂકી અને દુપટ્ટો લઈને માથા પર ઓઢી લીધો. એના અનુકરણમાં હજારો પ્રજાજનોએ ને સૈનિકોએ માથે ઓઢી ડાઘુ વેશ ધારણ કરી લીધો.

ત્રણ પરદેશી પરોણા – જાબાલીપુરના ચાહમાનો - તો સ્તબ્ધ બન્યા. પોતાના એક જ સૈનિકના રણમૃત્યુ પર વિજયપ્રવેશને ઓળઘોળ કરનારો મંત્રી એમણે ગુજરાત સિવાય ક્યાંય જાણ્યો નહોતો.

સમરભૂમિ સ્મશાન બની ગઈ. વિજય-સામૈયું શબયાત્રામાં પલટાઈ ગયું. શંખોએ ને ઝાલરોએ, મંદિરોના ઘંટારવોએ અને ચોઘડિયાંએ એક જ અજાણ્યા વીરના શોકમાં તેમ જ માનમાં મૌન પાળ્યું.

કાષ્ઠને બદલે ચંદનના ઢગલા આવ્યા. છાણાંને બદલે ઘીના કુડલા આવ્યા. ચિતા ખડકાઈ તે પરવચ્ચે ભુવનપાલનું ને શંખ પક્ષના ત્રણ શત્રુ યોદ્ધાઓનાં શબોને ચડાવવામાં આવ્યાં; ચિતા પ્રજ્વલી.

શાંતિ પથરાઈ ગઈ. શબ્દો કે સ્વરો શોધ્યા જડતા નહોતા.

મશાલોને અજવાળે સર્વનાં મુખો પર કોઈ મહાન બનાવની ગંભીરતા અંકાઈ ગઈ હતી.

એમાં એકાએક કોઈકનું ડૂસકુ સંભળાયું. કોઈકનો વિલાપ-સ્વર ઊઠ્યો, ને વસ્તુપાલ ચોંક્યો. સ્વર જાણીતો હતો. રોજરોજનો પરિચિત હતો. સ્વર આવતો. હતો – નજીકના એક દેવમંદિરમાં બેઠેલી સ્ત્રીઓના વૃંદમાંથી; જેતલબા સર્વ સ્ત્રીઓને લઈને બેઠાં હતાં ત્યાંથી.

મંત્રી ઊઠ્યા, મંદિર તરફ ગયા. પૂછયું, “બા, કોણે ધ્રુસકો મૂક્યો ?”

"ભાઈ, વયજૂકાએ.”

"આંહીં ક્યાંથી?' '