આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમર્પણનાં મૂલ
139
 


"તે કોઈ મંત્રીના નામનું સ્મારક હશે?" વરધવલે ઘા કરી લીધો.

“ના, ના.”

"ત્યારે શું અનોપનું?” રાણાએ જાણ્યું હતું કે ધોળકાના બચાવ માટે અનોપે પ્રજાને સજ્જ કરી રાખી, કોટ પર પોતે ચોકી કરી હતી.

"ના, દેવ. એક છેલ્લી પાયરીના સૈનિકના નામનું: ને જ્યાં સુધી ઇતિહાસમાં એ સ્તંભતીર્થ રહેશે, સોલંકીઓ રહેશે, વાઘેલા રહેશે ને પ્રભુકૃપાએ આપનો આ નમ્ર વસ્તુપાલ રહેશે, ત્યાં સુધી રાણા વીરધવલના એક પગ ચાંપનારાનું નામ રહેશે.”

"પગ ચાંપનાર !" વીરધવલને વિસ્મય થયું.

“તમે તો શંખ સાથે લડેલા ભટરાજની વાત કરો છોને?”

“ના રાણાજી, એ ભટરાજ નહોતો. આપને યાદ આવે છે? આપની પગચંપી કરતા એક વંઠકે આપના પગની રત્નજડિત મુદ્રા ચોરી હતી.”

“હા.”

"ને આપે એનો દરમાયો વધારી દીધો હતો.”

“હા.”

“એ ભૂવણો ગુડિયઃ એ જ આ ખંભાતનો તારણહાર, છેલ્લી પાયરીનો સૈનિક ભુવનપાલ. એના નામના ભુવનપાલપ્રાસાદમાં મારે રુદ્રની પ્રતિષ્ઠા કરાવવી છે.”

“ભાઈ!” કહેતાં રાણાએ પોતાનાં હર્ષાશ્રુઓ ખાળી રાખીને મંત્રીને બાથમાં લઈ લીધો, “આ તે તું માગે છે કે મને આપે છે? તું અત્યાર સુધી વાતને લંબાવે છે શા માટે ? તને મારી હજુ પતીજ ન પડી? હું બાપુને જ તેડાવું છું - ભુવનપાલપ્રાસાદનું ખાતમુરત કરવા. પછી છે કાંઈ?”

"તો બસ, મારો ભવ સુધરી જશે. ને હવે આપણે ચાહમાન પરોણાઓને તેડાવી વાત કરી લઈએ.”

"હા, એને તો રાખી જ લઈએ.”

આ શબ્દો બોલતી વખતે રાણા વીરધવલને ઝાઝી કલ્પના ન હતી. ત્રણ ચાહમાન ભાઈઓને ઉપરાઉપરી ધન્યવાદ આપીને પછી તેમની માગણી સાંભળી:

"રાજન્ ! અમે ત્રણ ભાઈઓ અમને મળેલા ગરાસ પૂરા ન પડવાથી ચાકરી ગોતવા નીકળ્યા છીએ.”

“તે તો ગુજરાતનાં પરમ ભાગ્ય કહેવાય. ગ્રાસ કેટલો નોંધીએ?”

“દરેક ભાઈને એક એક લાખ લુણસાપુરી દામ (દ્રમ્મ).” કશી જ ધડક વગર આવા પગારની માગણી કરનાર ચાહમાનો તરફ રાણા