આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગર્વગંજન
145
 

અને બીજાં બે ચરણો –

यत्कुक्षिप्रभवा एते वस्तुपाल ! तवादृशाः
[જેની કૂખે જણ્યા વીરો વસ્તુપાલ ! તમો સમા..]

“હે મંત્રી ! અમે તો તારી જનેતા કુમારદેવીનો કાવ્ય-યશ ગાતા હતા. પણ તેં અમને અધૂરે ગાને અટકાવી દીધા.”

વસ્તુપાલને મોંએ શરમના શેરડા પડ્યા. માતા યાદ આવી. સારંગલોચના ! સાચેસાચ મારી મા મૃગાક્ષી હતી, રૂપાળી હતી. એને આજે મારા વિજયકાળે કોઈએ નહીં ને એક વિરાગીએ બિરદાવી. સ્ત્રીને માતારૂપે સુંદર વર્ણવતો સાહિત્યવિલાસ વિલાસ મટીને કેવું સૌંદર્યપ્રેરક તત્ત્વ બની રહે. આજે હું ખંભાતમાં સ્થૂળ શસ્ત્રનો સંગ્રામ જીત્યો પણ આત્મજગતના સૂક્ષ્મ કાવ્યયુદ્ધમાં હાર્યો. આજે મને એ પરાજયે નવી દ્રષ્ટિ દીધી – નારીનું માતારૂપે સૌંદર્ય માણવાની. સાધુને પોતાના નવા કવિતાગુરુ – રસગુરુ ગણીને મંત્રી પગમાં નમ્યો. યુદ્ધરસ અને રાજનીતિના રસમાં કાવ્યરસ રસાતો ચાલ્યો.