આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
25
સંઘ શોભે?

જેઠે સ્તંભતીર્થથી મોકલેલાં નવાં સુભાષિતો વાંચતી વાંચતી અનુપમા અર્થો બેસારતી હતી. એનો પુત્ર લૂણસી મોસાળે ચંદ્રાવતીમાં જ રહેતો તે મોટો થઈ પાછો આવ્યો હતો, તે પછી બીજું કોઈ સંતાન નહોતું. સ્તંભતીર્થ રહેતી સોખુ અને લલિતાદેવી લલિતાના પાંચેક મહિનાના પુત્ર જૈત્રસિંહના લાડકોડ પૂરવામાંથી નવરી થતી નહોતી. અને વયજૂકા તો ભુવનપાલપ્રાસાદની જ પૂજારણ બની ગઈ છે તથા ભુવનપાલનાં વૃદ્ધ માબાપને પાળે છે, એવા સમાચાર પણ આવ્યા હતા. વિશેષમાં લલિતાએ ને સોખુએ ધોળકે ખબર મોકલ્યા હતા કે “અનોપ, તમારે તૈયાર રહેવાનું છે, શત્રુંજય અને રેવતગિરિનો યાત્રાસંઘ કાઢવાની તમારા જેઠ તૈયારી કરે છે. આ સંઘમાં પાટણ, ખંભાત અને ધોળકાના શ્રાવક પ્રજાજનો હજારોની સંખ્યામાં જોડાવાના છે.”

અનોપને આ સમાચાર જાણીને હસવું આવ્યું. ખેદ થયો. એણે કહી મોકલ્યું કે મારે તો સંઘમાં આવવાની ઈચ્છા નથી, પછી તો જેઠજીની જેવી આજ્ઞા.

'વળી કાંઈક ગૃહકલહ મચ્યો લાગે છે!' એવી ચિંતાથી વસ્તુપાલ ધોળકે આવ્યા. લૂણસીને પોતે ખોળામાં બેસારીને અનોપની સંઘમાં જોડાવાની અનિચ્છાનું કારણ પૂછ્યું. અનોપે નીચે જોઈ રાખીને કહ્યું: “અત્યારે આ ધર્મયાત્રા શોભતી થશે ખરી?”

“કેમ નહીં? સ્તંભતીર્થના વિજય પછી શ્રાવકો થનગની રહ્યા છે. મને પણ. થાય છે.”

"સુરાષ્ટ્રમાં પહેલી તો વિજયયાત્રા શોભે, તે પછી જ ધર્મયાત્રા. આજે સુરાષ્ટ્ર તમારે તાબે નથી, શત્રુ બનીને બેઠેલાઓને તાબે છે. પારકા ઘરનાં તીર્થોમાં જતાં, લડાઈ થઈ બેસશે તો સંઘને સાચવશો કે સંગ્રામ કરશો ?”

વસ્તુપાલ આ સાંભળી છોભીલો પડી ગયો. સુરાષ્ટ્ર આખો બદલીને બેઠેલ છે. વાજા, ચુડાસમા ને વામનસ્થલીવાળાનો જવાબ હજુ લેવાયો નથી. તે ટાણે સંઘ શોભે નહીં એ વહુની વાત એટલી સચોટ હતી કે એનો કશો જવાબ મંત્રી પાસે