આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
154
ગુજરાતનો જય
 

એકલી?" મોટાભાઈ ચામુંડરાજ ચમકીને બોલ્યા. દાયરામાં બેઠેલ પ્રત્યેક મોં આભું બન્યું. જેતલના ચહેરાના રંગો મશાલની જ્યોતમાં પલટપલટ થતા હતા.

જેતલદેવીએ જવાબ ન વાળ્યો. રાજ ચામુંડે મશાલ-સભા ઉતાવળે ઉતાવળે વિસર્જન કરી, બહેનને અંદર મોકલી. વાળુપાણી પતાવ્યાં, જેતલદેવીએ ન ખાધું, એ કહે કે મારે નિર્જળો ઉપવાસ છે.

રાત્રિએ જેતલદેવીના આવા બેહાલ આગમન વિશે ગામ વાતોએ ચડી ગયું. તરેહ તરેહનાં અનુમાનો ચાલ્યાં. રાણે કાઢી મેલ્યાં લાગે છે: મોટો ગૃહકલહ થયો લાગે છેઃ રિસામણે આવ્યાં જણાય છે. આવા તર્કોએ ચડી ગયેલ ગામમાં કોઈને રાણાની ચડાઈની કલ્પના પણ આવી નહીં.

જેતલદેવીને ભાઈઓ પૂછવા લાગ્યાઃ “છે શું?”

અગાઉથી કરેલા સંકેત મુજબ બહેને “હમણાં જ વાત કરું છું, ભાઈ!” એમ કહીને કાળ જવા દીધો, ને પછી ગઢની મેડીએ ચડી ચુપકીદીથી એણે જોઈ લીધું કે માણેકવાડાને માર્ગે મશાલો બળી રહી છે. રાતનો એ બીજો પ્રહર હતો. પછી એણે ભાઈઓને પોતાની પાસે બેસાર્યા.

"તારી આ શી દશા થઈ? કોણે કરી?” ચામુંડરાજે પૂછ્યું.

"લૂંટાણી છું.” જેતલદેવીના હોઠ માંડ શબ્દ સેરવી શક્યા.

"કોણે લૂંટી?”

“માના જયાએ.” જેતલદેવીનાં નેત્રોએ સાંગણને શોધ્યો.

"ગાંડી ! શાંત થા.” ચામુંડરાજે એને કહ્યું, “ચોખ્ખું કહે.”

“કહેવા જ આવી છું. એક જ વાત કહેવા,” ને એના હોઠની પાંદડીઓ આવેગના પવનમાં ધ્રૂજી ઊઠી: “કે વીરા ! આ મશાલ કોની કરો છો? આ ચોઘડિયાં. ને નગારાં શેના? આ નેકી કોની પોકરાવો છો? પાટણનો ગુર્જરપતિ ઊઠીને મને તમારી પાસે પાલવ પાથરવા મોકલે છે.”

"આ તે તું શું લવે છે, જેતલ? તને કાઢી મૂકી છે કે શું? તું કેમ આટલી બધી ધગેલી છો?”

"સાચી વાત, વીરા!” જેતલે ગમ ખાધી. “મારે ધગવું ન જોવે. ધગું છું, કેમ કે સોરઠધરાની ધૂળમાંથી નીપજી છું. લ્યો હું ટાઢી પડી. હવે કહું છું, લ્યો આ હાથ જોડીને કહું છું, આ માથું નમાવીને કહું છું – કે વિસામા મારા ! બેનના ઓઢણા સામે જુઓ. આ ઉફાંદ છોડો, ધણીના ચાકર છો ને ધણી ન બનો; નાતાદાર છો ને ચોર ન બનો; સાથી છો ને શત્રુ ન બનો. રાણો તમને વિનવણાં મોકલે છે.”

“તેં પણ, જેતલ !" ચામુંડરાજે હસીને કહ્યું, “લેવાદેવા વગરનો ભારી દાખડો