આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
158
ગુજરાતનો જય
 

બન્ને પોતાના સગા ભાણેજને મુરઘાની જેમ ટીંગાડી રહ્યા હતા. નિર્દયતાના તેઓ સાક્ષાત્ અવતાર હતા. હજારો પ્રજાજનોનાં શિશુઓનો સંહાર કરવા ટેવાયેલા એ બે ભાઈઓને વીરમદેવનું નમાયું-નબાપુ સ્વરૂપ જરીકે પિગળાવે એ અશક્ય હતું. ઘડીઓ ગણાતી હતી, જરાક ચેષ્ટાની જ વાર હતી. ગઢ ઉપર હલ્લો કરવાનો હુકમ છૂટે તે પળે જ વીરમનું મોત માંડ્યું હતું. આખી જ બાજી સાંગણ-ચામુંડનાં પાંચ આંગળાંની પકડમાં હતી.

“મા ! ઓ મા ! ઓ માડી!” એ વીરમનાં વેણ કેમ જાણે સંભળાતાં હોયઃ રાણીએ પોતાના કાન બહેરા કર્યા. એણે નેત્રો મીંચી દીધાં, ને પોતાની પડખે ઘોડેસવાર બનેલા રાણાને કહ્યું: “હવે વાટ કોની જોઈ રિયા છો? ઘોળ્યો કરો વીરમને, ગુજરાતના નામ પરથી ઓળઘોળ છે મારો વીરમદેવ ! કરો હલ્લો. જ્ય ગુજરાત!"

એટલું બોલીને એ રાજગઢની રાંગ (દીવાલ)ની ઓથ લઈ, પોતાના પડતા દેહને ટકાવતી ટટ્ટાર ઊભી રહી. એનું મોં ગુર્જર સૈન્યની સન્મુખ થયું. એણે પતિની ચિતા પર ચડવા જતી અંબારૂપિણી કો સતી જોગમાયાની જેમ હાથની તાળીઓ પાડતે પાડતે ઉપરાઉપરી જયધ્વનિ કર્યા: “જય ગુજરાત આગળ વધો. જય ગુજરાત ! તૂટી પડો, મારા પિયરને પાડી પાદર કરો ! ઘોળ્યો વીરમ ! જય ગુજરાત !”

એને ત્યાં જ ઊભી રહેવા દઈ અને એના હાથમાં પોતાની પાઘ ફગાવી દઈ - 'જય ગુજરાત' એ પત્ની-બોલ ઝીલતો તેમ જ સેનાને ઝિલાવતો રાણો વીરધવલ રાજગઢ પર ધસ્યો.

ને ધસારો કરવાની ઘડીએ જ એણે પેલા ગોખની મશાલ ઓલવાતી ભાળી. વીરુની ચીસ અંધકારમાં એ ગોખની અંદર થઈને દૂર ચાલી ક્યાંઈક ઊંડાણમાં ઊતરી જતી સાંભળી. તે પછી એ બધું જ ભાન ભૂલ્યોઃ ઊભેલી પત્નીનું, મૂઆ માનેલા પુત્રનું, સગાં ને વહાલાંનું, પિતા ને મંત્રીઓનું, ધોળકા ને પાટણનું, સોરઠ ને ગુજરાતનું ભાન ફક્ત એક જ એનાથી સચવાયું – પોતાની માણસાઈનું અને એ માણસાઈ જ જેને પાવન કરી શકે છે તેવા મૃત્યુનું.

એક નાનકડી માનવજિંદગાનીને સાફલ્યથી છલકાવી દેવા માટે શું એટલું જ ભાન બસ નહોતું !