આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
27
ધણીનો દુહો

રાતભર વીરધવલે રમખાણ ચલાવ્યું. બેઉ સાળાઓને શોધ્યા. પો ફાટી ત્યારે બેઉ પૂરા બખ્તરે ને ઘોડેસવારીએ રાજગઢમાંથી બહાર પડ્યા. બેઉને એકલા વીરધવલે પટકી પરલોકનો માર્ગ દેખાડ્યો. જ્યાં પોતે એક દિવસ લીલે તોરણે પરણવા આવેલો તે જ દરવાજાના ઉંબરમાં એને પત્નીના બાંધવોને મારવા પડ્યા. એનું મન વલોવાઈ ગયું.

“વીરમદેવને ક્યાં છુપાવ્યો કે મારી નાખ્યો?" એણે મરતા સાંગણને મોંએ પાણી દેતાં દેતાં પૂછ્યું.

ન બોલી શકનાર સાંગણે 'ખબર નથી' એવા અર્થની હસ્તચેષ્ટા કરી.

"વીરમ ! વીરમદેવ ! બાપ લાડીલા વીરમ ! ક્યાં છો એવા સાદ પાડતો રાણો રાજગઢના ખંડેખંડમાં ફરી વળ્યો. વીરમનું શબ કે હાજપિંજર કશું હાથ ન આવ્યું. વીરમદેવ તો ફૂલકળી જેવડો, આ દાવાનલમાં કોણ જાણે ક્યાંય ભૂંજાઈ ગયો હશે, એવી હતાશાનાં તાળાં હૈયા પર જડી દઈને એણે જેતલદેવીને શોધી. રાણીને એ રણાંગણના પ્રારંભકાળમાં કોઈ બે અણજાણ્યા માણસો મૂર્છાવશ હાલતમાં જ ઉપાડી ગયા હતા. સૈન્યને ખબર નહોતી કે એ બે માણસો કોણ હતા ને ક્યાં લઈ ગયા.

વામનસ્થલીનો વિજેતા રાણો વીરધવલ જીતેલા રાજ પર પાકો બંદોબસ્ત મૂકી કરીને ત્રીજે દિવસે વિજયનો દરબાર ભરી બેઠો. વાજા, ચુડાસમા અને વાળા રાજવીઓએ હાજર થઈને હથિયાર છોડ્યાં. અને સાળાઓએ મહારાજ્ય-દ્રોહ કરી કરીને સંઘરેલી સંપત્તિની ટીપ રજૂ થઈ.

કોટિસંખ્ય કનકના સિક્કા, ચૌદસો દેવાંગી ઘોડા, પાંચ હજાર તેજી તુરંગો: ગુર્જરા મહારાજને છેતરીને કંઈ વર્ષોથી ઘરમાં ભરેલી લૂંટ.

રાણાએ પોતાના નામના જયકાર સાંભળ્યા. સંભળાવો જયજયકાર ! મારા કાનમાં એ કશી અસર કરી શકશે નહીં. હું પુત્રને ને પત્નીને હારી બેઠેલો કયા સ્વાદે વિજયઘોષ માણું? પણ હું રાજવી છું, ક્ષત્રિય છું, કલેજે ભોગળો ભીડીનેય