આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
160
ગુજરાતનો જય
 

મારે વિજયઘોષ ગર્જવા દેવાના જ છે. ડંકા-નિશાન ન બનવા દઉં તો ગુજરાતના વર્ચસ્વને કોણ ગણકારે તેમ છે? આટલો સંહાર ન કર્યો હોત તો સોરઠધરાને ક્યાં ગુર્જર મહારાજ્યની ગરજ પડી હતી? પત્ની ગઈ, પુત્ર ગયો, પણ રાજાને મોઢે નિસ્તેજ રેખા અને આંસુના દોરિયા ખેંચાય તો લાજઆબરૂ જાય ! બજાવો ડંકાનિશાન; ધણેણો ઢોલનગારાંઃ શરણાઈઓના સેંસાટ અવિરત ઊઠ્યા કરો ! રાજાને રોવાની એકાંત પણ ન રહેવા દેજો !

કિશોરવયનો ખેડુ-પાલક સાંભર્યો, ધીંગાં ધાન ખાંડીને ખવરાવતી મા મદનરાશી સાંભરી. વહાલા બે ઢાંઢા અને ધરણીનાં ઢેફાં યાદ આવ્યાં. કૂવાના હિમાળા ગોખલાઓમાં ઘૂઘવતાં પારેવાંએ પંદર વર્ષે મેહતા ગામની વાડીએથી જાણે એને બોલાવ્યોઃ 'મિત્ર ! ઓ મિત્ર ! પાછો આવને !' અરે, ચોમાસુ જુવાર-બાજરાના ઊગમતા છોડવાની ચોમેરથી કૂણાં નીલાં નીંદણાં નીંદતી ગામની ગોઠ્યણોએ ગાયેલાં ગીત એક પછી એક, વેણેવેણ યાદ આવ્યાં. બીક લાગી કે હમણાં ક્યાંક આ હેકડાઠઠ વિજય-દરબારની વચ્ચે મારું ગળું પણ એ ગાણાં ગાવા લાગી જશે. ગળું રૂંધો. રાજવી ! ગળું ને કલેજું, સ્મૃતિ અને લાગણી, સર્વને રૂંધી રાખો; કેમ કે આજ તારો વિજય છે, ગુજરાતનો વિજય છે. જુઓ રે જુઓ, આ બધા પાગલો જેવા બસ ઉપરાઉપરી ઉદ્‌ઘોષી જ રહ્યા છે કે 'જય ગુજરાત ! જય ગુજરાત ! જય ગુજરાત!'

“રાણાજી!” સેનાપતિ સોમવર્માએ આવી એને ઢંઢોળ્યો: “રાણીબા આવ્યાં છે, વીરમદેવજીને તેડી તેજપાલ મંત્રી આવ્યા છે.”

“વીરમ ! ક્યાંથી? જીવતાં કે મૂવેલાં? પ્રેતો તો નથી પધાર્યા કે ભાઈ ! બરાબર જોજે.” એણે ધીમે સ્વરે કહ્યું.

પછી એ ધીમે ધીમે દિવાસ્વપ્નમાંથી બહાર નીકળ્યો ને એણે સ્વજનોને જોયાં. જય ગુજરાતના ધ્વનિ શું આ ત્રણેય જણાંના સ્વાગતમાં ઊઠતા હતા?

એ હસ્યો નહીં. ઘેલો બનીને ભેટ્યો નહીં. રાજા હતો. એને ગૌરવ સાચવવાનું હતું. એનાથી સ્વજનમેળાપનો નિર્બલ આનંદ ન દર્શાવાય.

“તમે આંહીં ક્યાંથી, મંત્રી?" તેજપાલ જ્યારે એની બાજુએ આવીને નખશિખ યોદ્ધાના પરિધાનમાં શોભતો બેઠો ત્યારે રાણાએ તેજપાલને ધીરે સાદે પૂછ્યું.

"ત્રણ મહિનાથી આંહીં છું.”

“આંહીં એટલે ક્યાં?”

“આ રાજગઢમાં જ.”

"કેવી રીતે?”

"રાણીઓના વૈદના વંઠક રૂપે.”