આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
170
ગુજરાતનો જય
 


"એ જોવા નહીં પામે. મળવા તો એણે કદી ઇચ્છ્યું જ નથી. જોવો હતો એક વાર, પણ હૈયું ભેદાઈ ગયું છે – હર્ષાવેશથી.”

“હં-હં” લવણપ્રસાદે હોઠ કરડી લીધા.

“હેં બાપુ,” વસ્તુપાલે કહ્યું “એક પ્રાર્થના કરું?”

"મારી નાખીશ, જો કંઈ માગ્યું છે તો.” રાણો સમજી ગયો. એ રુદ્ર સ્વરૂપ બન્યો, “મને જીભ કરડીને મૂએલો જોવો છે?”

“તો રહેવા દો, બાપુ ! નહીં માગું.”

“સંઘ ક્યારે લઈ જાય છે તું?”

“ઉતાવળ શી છે? પ્રથમ મારે આબુની માનતા છે તે પતાવવી છે.”

"તો વીરધવલને પાછો બોલાવવો છેને ?”

"તેડાવવા સાંઢણી રવાના કરી દીધી છે.”

“તો ઠીક, ત્યાં સુધી હું આંહીં છું.”

“એક શરતે. મદનબાને આંહીં કંઈ અવળું થાય તો આપે છૂપું સ્નાન તો કરવું જ પડશે.”

“નહીં તો?”

“નહીં તો કોઈક બીજે ગામ જઈને બેસો.” મંત્રી કડક બન્યો, “આવી વટ ! કંઈ સ્નાનસૂતક પણ ન પહોંચે, હેં બાપુ?”

“તું મને વધુ ના બોલાવ, નીકર જીભ ખેંચી નાખીશ. તારું કાળું કર, જા, હું આંહીં જ છું, ને માથે લોટો રેડવા કબૂલ થાઉં છું.” એમ કહીને લવણપ્રસાદ ઊઠી ગયો. એણે અંદરના ખંડમાં જઈ દ્વાર બંધ કરી વાળ્યાં. થોડી વારે અંદરથી કોઈક પ્રાર્થનાસ્વરો સંભળાવા લાગ્યા.

તે જ રાત્રિએ મંત્રી, સોમેશ્વરદેવ, દેવરાજ પટ્ટકિલ અને ચોથા એક જણને ખભે ચડીને મેહતા ગામની એક ખેડૂત-સ્ત્રીનું શબ સ્મશાને જઈ બળી ખાખ થયું. રાતને ત્રીજે પ્રહરે લવણપ્રસાદ એકલો મલાવમાં જઈ નહાઈ આવ્યો તેની, એકાદબે જણ સિવાય, કોઈને ખબર ન પડી. લોકોએ વળતા દિવસે વાતો કરી કે, મલાવમાંથી મોડી રાતે કોઈક કારમા કંઠના રુદનધ્વનિ ઊઠતા હતા. માનવીના જેવું નહીં પણ ભૂતના જેવું ભેંકાર એ રુદન હતું.

*

પ્રભાતે પાટણના અગ્રેસર પટ્ટણીઓ વધાઈ લઈને આવ્યા. સ્તંભનપુર ઊમટ્યું. પરગણાંના પટ્ટકિલો લોકટોળાં લઈને આવ્યા. ગુર્જર દેશ ધોળકામાં ઠલવાયો. રાણા વીરધવલ અને તેજપાલ પણ હાજર થયા. રાણા વીરધવલનો ને