આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાષ્ઠપિંજર
175
 

કર્યો.

આ આખા પ્રદર્શનનો કોઈ ફોડ પાડે તે પહેલાં તો દરવાજાની અંદરથી છડીદારનો અવાજ ઊઠ્યો કે 'રાણક વીરધવલનો જય!'

'ગુજરેશ્વરનો જય' એવો સામો અવાજ ભાગોળેથી ઊઠ્યો. એ સાદ અશ્વે ચડેલા સેનાપતિનો હતો. એ ઘોડેથી હેઠા ઊતર્યો.

રાજછત્ર દેખાયું. રાણા વીરધવલની સવારી આવી પહોંચી. અંબાડીવંતા હાથી પર રાણાની પાછળ બેઠેલો પુરુષ તેંતાલીસેક વર્ષનો હતો ને તેનો લેબાસ રાજવંશીનો નહીં પણ રાજપુરુષનો હતો. રાણાની પાછળ બીજી બાજુએ એક બીજા પણ તેવડી જ ઉંમરના પુરુષ બેઠા હતા. તેમના દેહ પર ખભાથી ઢળકતું ઉત્તરીય હતું. તેમના માથા પરથી મોટો ઘાટો ચોટલો ખુલ્લા ખભા પર ઢળકતો હતો ને જનોઈના ત્રાગ સાક્ષી પૂરતા હતા કે એ બ્રાહ્મણ છે.

રાણાની બેઉ બાજુએ બેઠેલા આ નરો તે મંત્રી વસ્તુપાલ અને રાજગુરુ સોમેશ્વરદેવ હતા. બેઉના ગોરા દેહની વચ્ચે શ્યામવરણ રાણા વધુ શોભતા હતા. એ બેઉની વચ્ચે એક પંદરેક વર્ષનો છોકરો બેઠો હતો.

રાજહસ્તી કાષ્ઠપિંજરવાળા શકટથી થોડે દૂર થંભ્યો અને પેલા ભાલો ગોદાવનારે ફરી વાર એ કેદીને ગોદાવ્યો. કેદીએ એક વાર ઊંચે નજર કરીને પાછું મોં બે પગનાં ટૂંટિયા વચ્ચે છુપાવી દીધું. ઘોડા પરથી ઊતરી ગયેલા સેનાપતિએ હાથીની નજીક જઈને રાણાને નમન કર્યું. રાણાએ તેને પોતાની નજીક બોલાવીને એના નમતા શિર પર હાથ લંબાવીને કહ્યું: “તેજલ ! અવધિ કરી !”

"દેવ કપર્દીની, ગુર્જરી મહૂલણદેવીની ને રાણાજીની કૃપાથી” એટલું જ એ પુરુષ બોલી શક્યો. એટલા શબ્દ પણ એ નર મહામહેનતે બોલી શક્યો. પ્રથમથી જ ઓછાબોલા અને વખત જતાં વધુ ને વધુ મૂંગા બનેલા એ ધોળકાના વણિક સેનાપતિ તેજપાલ હતા.

પંદરેક વર્ષની એક કન્યા આગળ આવી. એના હાથમાં કુંકુમથાળ હતો. એણે સેનાપતિ તેજપાલને કપાળે ચાંદલો કરી ચોખા ચોડ્યા ને ઓવારણાં લીધાં. એ રાજગુરુ સોમેશ્વરદેવની પુત્રી રેવતી હતી.

એ દેખાવને રાણા વીરધવલની પાછળ, અંબાડીમાં બેઠેલા એક પંદર વર્ષના કિશોરે મોઢું બગાડીને જોયો. આખી જનમેદનીના મોં પરના ભાવથી આ છોકરાના મોંની ચેષ્ટા છેક જુદી પડતી હતી. એના ચહેરા પર ઘૃણા અને કંટાળો હતાં. મંત્રી વસ્તુપાલ રથમાં બેઠાં બેઠાં ત્રાંસી નજરે એ છોકરાના મોંની વિચિત્ર રેખાઓ વાંચતા હતા.