આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાષ્ઠપિંજર
179
 

ચટકા ભરી રહી હતી, એને શરમ લાગતી હતી કે મારું પણ લેવાઈ રહ્યું છે. એની પ્રતિજ્ઞાને ડંફાસ કહી હસનારા ક્ષત્રિયોનો ને નાગરોનો તોટો નહોતો. વસ્તુપાલના કાન પર આ મશ્કરીના પડઘા પડતા હતા. છતાં તેણે તેજપાલને લાંબો સમય સુધી વારી રાખીને બે બાબતો કરી હતીઃ

એક તો તેની ગુપ્તચર-વિદ્યા કામે લાગી હતી. ગોધ્રકપુરમાં પેસીને એના રાજદૂતો છૂપે વેશે ધોળકાની ને પાટણની હાંસી હાંકવા લાગ્યા હતા. પાટણ અને ધોળકામાં સૈન્યના સાંસા છે; સોરઠ તો બોડી બામણીનું ખેતર એટલે સીધું પાર ઊતરી ગયું, પણ મહીકાંઠો તો ફણીધરની ફેણ પરના મણિ જેવો છે; તેજપાલે પણ લીધું તે જ દિવસથી ધોળકાની સેનામાંથી યોદ્ધાઓ ખડવા લાગ્યા છે, વગેરે વગેરે.

બીજી તરફથી મંત્રીએ ખબર કઢાવીને ઘુઘૂલનો સર્વોત્કૃષ્ટ સદ્ગુણ કયો છે તેની ચોકસી કરી લીધી. મંત્રીને ઇતિહાસનું જ્ઞાન હતું. ક્ષત્રિય રાજાઓમાંના ઘણાખરાનો વિનાશ એમના અવગુણોને નહીં પણ સદ્‌ગુણોને આભારી હતી તેવી એની ઐતિહાસિક ઉકલત હતી. ઘુઘૂલનો સદ્ગુણ એને હાથ લાગ્યો. એ સદ્ગણને વસ્તુપાલે ઘુઘૂલની અભેદ્ય અપરાજેય શક્તિમાં બાકોરા સમો સમજી લીધો.

ઘુઘૂલ અનન્ય ગૌપ્રેમી હતો. ગાયો પ્રત્યેની એની ભક્તિ આંધળીભીંત હતી. પોતાને ગૌપ્રતિપાળ કહેવરાવવામાં એનો પરમ ગર્વ હતો. ગાયો પર હાથ પડે તે ઘડીએ એ ગાંડોતૂર બનીને બચાવવા ધાતો. એ વખતે પોતે ન જોતો શુકન, ન વિચારતો ત્રેવડ ન થોભતો કોઈની વાટ જોઈને.

મંત્રીની સલાહ મેળવીને તેજપાલે એક ઠીક ઠીક દળકટક સાથે છૂપું પ્રયાણ કર્યું, ગોધ્રકપુરના સીમાડાથી ઠીક ઠીક બહાર દૂર એણે સૈન્યને છૂટક છૂટક ઝૂમખાં પાડીને વહેંચી નાખ્યું અને પોતે ફક્ત દસવીસ માણસોને લઈ, ગાયોના ચોરોને વેશે ગોધ્રકપુરના સીમાડા પર ગયો. મહીકાંઠે ગૌધણ ચરતું હતું, ને પાંચેક ગોવાળિયા ચલમો પીતા હતા. તેજપાલે પાંચમાંથી એકને નાસવા દઈને ચારને જખમી કર્યા. ધણ વાળીને દસે માણસે તેજપાલ પાછો વળ્યો. પણ એને ઉતાવળ નહોતી. એ પાછળ જોતો જતો હતો કે છૂટો મૂકેલો ગોવાળ દોટાદોટ નગર તરફ વેગ કરી રહેલ છે.

અરધીક ઘટિકામાં તો એણે પોતાની યુક્તિ પાર પડી જાણી. એક આદમી ગોધ્રકપુર તરફથી ઘોડો દોટાવતો ચાલ્યો આવે છે. એના ઘોડા પર પલાણ પણ નથી. એણે પોતેય પૂરાં લૂગડાં પહેર્યા નથી. એના હાથમાં એકલું ફક્ત ખડગ ખેંચાયેલું છે. એકલા ચડવાની એની હિંમત અસ્થાને નહોતી. એનો કદાવર દેહ, એની કરડાઈ, એનો મરોડ, ને એનો કસાયેલો હાથ જ કહી દેતો હતો કે ગેડી