આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહામંત્રીનું ઘર
183
 


ત્યાં તો અંદરની મેડી પરથી કોઈએ સાદ પાડ્યો: “બેઉ જણાં અહીં આવો તો!”

એ સાદ કાકાબાપુનો હતો. વસ્તુપાલે બેઉને પોતાની પાસે લઈ બેઉના મસ્તક પર હાથ રાખી, કોઈ ચોથાના કાને ન પડે તેવી રીતે કહ્યું: “છોકરાંઓ, મને એ બધી ખબર છે. વાતને દાટી દેજો, જાવ, સૌને જમાડવાની તૈયારી કરો. સૌની પહેલાં કોને જમાડી લેવાના છે, એ જાણે છે કે લૂણસી?”

"જી હા, દેવરાજદાદાને.”

“દેવરાજદાદા આજના ઉત્સવમાં હતા કે?” મંત્રીએ પૂછ્યું.

"અરે હતા તો શું, કાકાબાપુ !” બોલકણી રેવતીની જીભ ચાલુ થઈ, “એ તો જાણે કે ડોસા મટીને છોકરું બન્યા હોય તેમ ઉત્સવ જોઈને લાકડીને ટેકે ટેકે કૂદતા હતા. એનું તો ધ્યાન જ રાણાજી ઉપર ચોટ્યું હતું ને એની આંખોમાંથી તો આંસુડાં હાલ્યાં જ જતાં'તાં. મેં કહ્યું કે, દાદા ! કેમ રડો છો? તો એ કહે કે, હું ક્યાં રડું છું! રડેને મારા વીરધવલના વેરીની બૈરીઓ!”

“ક્યાં છે દાદા?”

"ડેલીની ચોપાટમાં.”

“ચાલો, હું મળું. મંત્રીએ ડેલે જઈને એક વૃદ્ધ ક્ષત્રિયને ખભે હાથ મૂક્યો. આંખોનાં પોપચાં નીચાં ઢાળીને જ બેસતા એ એંશી વર્ષના બુઢાએ પોતાને અડકનાર તરફ જોવા મોં ઊંચકીને આંખો પર છાજલી કરી. માંડમાંડ માં દેખી શકાયું. વૃદ્ધ મંત્રીના પગમાં પોતાના બે હાથ નાખ્યા. મંત્રીએ બાળકભાવે એ ચોકીદાર જેવા જણાતા વૃદ્ધના હાથ ઝાલી લઈને પૂછ્યું: “કાં બાપુ, કેમ છો?”

"ધુબાકા!” વૃદ્ધ હસતાં ને રડતાં પ્રત્યેક અક્ષરને ગામડિયો મરોડ આપીને 'ધુબાકા' શબ્દ સંભળાવ્યો.

"હેઈ ખરાં ! તો તો ઠીક," મંત્રીએ કહ્યું, “આંહીં ગમે છેના ! નીકર ચાલો ખંભાત.”

"ના રે. સિદ્ધેશ્વર ભગવાનની માળા ફેરવું છું ને લહેર કરું છું. ત્યાં આવું તો પાછો જીવ આંહીં લંભાયા કરે."

"એ તો બરાબર છે. પોતે તમને મળે તો છેને?”

"હોવ ! વાતો પણ કરે છે.”

“પોતે શરમાતા નથીને?"

“બિલકુલ નહીં, કડકડાટ વાતો ઝીંકે છે. એના પંડની તો મને ખાતરી છે. પણ...”