આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
184
ગુજરાતનો જય
 


“શું પણ?”

“દીવાની વાંસે...”

“અંધારું નહીં થાય, દીવો જ થશે. ફિકર ન કરો.”

“રંગ !” બુઢ્ઢો એ શબ્દના ઉચ્ચારણના મરોડ જ કોઈ અપૂર્વ પ્રકારે કરતો હતોઃ “તમે બે ભાઈઓ બેઠા છો ત્યાં સુધી તો ફેર પડે નહીં"

“અમે બે ના !” મંત્રીએ કહ્યું, “જમડા આવે તો એનેય ના કહી દેશું કે, હમણાં નહીં"

"હા, તમારી હા ! ને મારી પણ હા માનજો, હો કે ! હજી તો આ ભોમકાના ચૂડા જેણે ઉતરાવ્યા છે તેને તમામને તમારાં પીંજરામાં પુરાયેલા જોઈને પછી જ જાઈશ.”

"વાહ વા ! વાહ વા ! સિદ્ધેશ્વરમાં બેઠા બેઠા આ છોકરાંઓને બરાબર એ પાઠ પાકો કરાવજો, હો કે બાપુ !”

“આ રેવતી તો કાળા કોપની છે, મંત્રીજી ! અને હું તે શું પાઠ ભણાવતો'તો ! વીરમદેવ કુંવરનેય હાથ જીભ કઢાવે છે ને.”

"હું – એનું કાંઈ નહીં. પધારો જમવા.” એમ કહીને એ વિલક્ષણ ડોસાને ચૂપ કરતા મંત્રીએ પોતે એને લઈ જઈ, બેસારી, પાસે બેસી ખરી ખાંતે જમાડ્યો ને સિદ્ધેશ્વરમાં પહોંચાડ્યો.

એ વૃદ્ધ ધોળકામાં એક ભેદી પુરુષ હતો. સૌને ફક્ત એટલી જ ખબર હતી કે એને મંત્રીએ સિદ્ધેશ્વરનો રખેવાળ રાખ્યો હતો. એની સાચી ઓળખાણ ફક્ત ત્રણચાર જણાને જ હતીઃ બે મંત્રી ભાઈઓને, રાણા વીરધવલને અને દેવ સોમેશ્વરને. એ હતો રાણા વરધવલનો ધર્મપિતા, મેહતા ગામનો રાજપૂત ત્રિભુવનસિંહ, જેનું ધોળકા ખાતેનું નામ હતું દેવરાજ પટ્ટકિલ. લોકો ફક્ત એટલું જ સમજતા કે મોટા રાણાએ વીરધવલને એની નાની વયમાં આ પટેલને ઘેર મુસીબતના સમયમાં છુપાવી રાખ્યા હતા.