આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કકળાટનું દ્રવ્ય

પરિવાર સ્તંભતીર્થ જતાં પહેલાં મંત્રી વસ્તુપાલ નાનાભાઈ સાથે એકાંતે વાતો કરતો બેઠો હતો તે વખતે લૂણસીએ બહારની પેઢી પરથી આવીને પિતાને બહાર બોલાવી કહ્યું: “ગોધ્રકપુરના કબજે કરેલ સોનારૂપાં ને જરજવાહિરના વધુ શકટો લઈ સૈનિકો આવી ગયા છે.”

"તે તો રાજદુર્ગમાં જ મોકલવાનાં છે.” તેજપાલે ખુલાસો કર્યો.

લૂણસીએ એને ખબર દીધાઃ “રાણાજીએ જ રાજદુર્ગમાંથી આ ભાગ આપણે માટે મોકલેલ છે. સાથે આ અર્પણ-પત્ર પણ છે.”

બંને ભાઈઓએ રાણાની ઉદાર ભેટનું લખાણ વાંચ્યું, અને વસ્તુપાલે કહ્યું: "તો ઉતરાવી લો."

લૂણસી નીચું જોઈ ગયો ને કંઈક કહેતાં ખચકાયો.

"કેમ? શું મૂંઝાઈને ઊભો છે?” તેજપાલે પૂછ્યું.

લૂણસી વગરબોલ્યો ઓરડાની બહાર નીકળીને ઊભો રહ્યો એટલે તેજપાલ ઊઠીને એની પાસે ગયો, પૂછ્યું: “કેમ જડભરત જેવો બની ગયો છે?”

“મારી બા ના પાડે છે.” લૂણસીએ કહ્યું.

સાંભળીને તેજપાલ કોઈ ન અવગણી શકાય તેવી અદ્રશ્ય સત્તાની શેહ નીચે આવી ગયો હોય તેમ થંભી ગયો. લૂણસીને બીક હતી કે પિતા કોપાઈ ઊઠશે. તે બીક ખોટી પડી. ગોધરાની જીતમાંથી આ વણિક લડવૈયાને કોઈક ગરવાઈનો સંસ્કાર સાંપડ્યો હતો. રાજદુર્ગમાંથી અપૂર્વ અનુપમ માનઅભિનંદનોથી મઢાઈને એ ઘેર પાછો વળ્યો હતો છતાં પત્ની અનુપમાએ એને વધાવ્યો-અભિનંદ્યો નથી, એ તો ઊલટાની દેવમંદિરે જઈને બેસી ગઈ હતી, અને પાછી આવીને પૂર્ણ આનંદભરી સૌને મંગલમીઠું ધાન પીરસતી પીરસતી મંદ વિનોદ કરતી કરતી જમાડતી હતી, છતાં પોતે તો આંબેલ (એક ટાણું સૂકું જમવાનું વ્રત) ધરી ચૂકી હતી. એવી ધર્મપરાયણા અને છતાં શુષ્ક કે કર્કશ જરીકે નહીં તેવી પત્ની તરફથી આ રાજ-ભેટ સ્વીકારવાની ના સાંભળી તેજપાલ મોટાભાઈ પાસે જઈ મૂંઝાતો બેઠો.