આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કિકળાટનું દ્રવ્ય
189
 

“વહુની સલાહ વાજબી છે.” જેઠના ઉદ્ગારોમાં આનંદ વિલણ્યો.

“એ કામ ઉપાડો તો હું કહું તે સૂત્રધારને (સલાટ-શિલ્પીને) ગોતશો?” અનુપમાની આંખો આમ પૂછતી વેળા જાણે સ્વપ્નભરી બની ગઈ.

"કોને?"

"શોભનદેવને, એની ભાળ મળશે – કાં અર્બુદગિરિ પર ને કાં શત્રુંજય ઉપર.” એમ કહેતી એ ચાલી ગઈ.

“તું કાંઈ સમજી શક્યો, તેજલ !" વસ્તુપાલે ઓરડાની હવાને પણ આશાતના ન પહોંચે તેવા સ્વરે કહ્યું.

“ના, ના, પણ એ ઘેલી કોઈ કોઈ વાર 'શોભનદેવ! શોભનદેવ પાછા વળો' એવું એવું કંઈક લવતી હોય છે.”

"ઘેલી એ નથી, ભાઈ ! ઘેલા તો આપણે છીએ કે એને સમજી શકતા નથી. શોભનદેવ નામનો એક યુવાન શિલ્પી અહીં આવ્યો હતો ને એના હાથનું ભોજન જમી ગયો હતો. અનુપમાએ એને આપણા મૂએલા ભાઈ લૂણિગનો અવતાર માન્યો છે.”

તેજપાલ કાંઈ બોલ્યો નહીં.

"જોજે હો ગાંડા !" વસ્તુપાલે ઊઠતાં ઊઠતાં નાના ભાઈને ચેતવ્યો, “આજે એને સમજી શકતો નથી તે પાછળથી માથાં પટકતો નહીં કે, અરેરે જીવતે તો ન જ ઓળખી !”

"પણ એ ધર્મવંતીને પહોંચવું ક્યાં?" તેજપાલનું ભાલ કરચલીએ ખેડાયું, "ઘુઘૂલે જીભ કરડી એનુંય એ તો પ્રાયશ્ચિત્ત કરીને બેઠી છે.”

“નારી છે ને! ભલે કરે પ્રાયશ્ચિત્ત. હું તો ઇચ્છું કે ઘુઘૂલના જેવું મોત ગુર્જરભોમના પ્રત્યેક શત્રુને સાંપડે, ભલેને શ્રાવકો ને શૈવો થોડાક લોહીને, થોડીક બિભીષણતાને, થોડી કમકમાટીને ટેવાય!” બોલતો બોલતો એ ભીષણ દેખાયો.